Western Times News

Gujarati News

મહિલાઓ માટે ૧૮૧ અભયમ‘ રક્ષક બનીઃ ૨૦૨૫માં ૧.૮૩ લાખ કોલ્સ મળ્યા

બગોદરા, ગુજરાતની મહિલાઓ માટે ‘૧૮૧ અભયમ‘ સાચી સહેલી બની થજ. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાંથી કુલ ૧,૮૩,૫૨૦ કોલ્સ નોંધાયા હતા. આ પૈકી ૩૭,૩૮૦ જેટલા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી કરી હતી.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ જિલ્લો ૪૧,૯૬૬ કોલ્સ સાથે મોખરે રહ્યો છે, જ્યાં ૮,૫૫૩ કિસ્સાઓમાં રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર મદદ પહોંચાડવામાં આવી હતી. અભયમની કુશળ ટીમે ૫,૮૫૨ કિસ્સાઓમાં પારિવારિક સુખદ સમાધાન કરાવી અનેક પરિવારોને તૂટતા બચાવ્યા છે.

અભયમ પર આવતી ફરિયાદોમાં ઘરેલું હિંસાના સૌથી વધુ ૧૯,૮૬૬ કિસ્સાઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શારીરિક-માનસિક સતામણી, લગ્ન જીવનના વિખવાદો અને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતી જેવી સમસ્યાઓનું પણ કાઉન્સિલિંગ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે.

પોલીસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉત્કૃષ્ટ સંકલનને કારણે ૨,૨૪૭ મહિલાઓને અન્ય સુરક્ષા એજન્સીઓ પાસે રિફર કરી જરૃરી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

છેડતી હોય કે પારિવારિક ઝઘડા, મુશ્કેલીના સમયે માત્ર ‘૧૮૧’ ડાયલ કરતા જ મળતી ત્વરિત સહાયે ગુજરાતની મહિલાઓમાં સુરક્ષાનો મજબૂત વિશ્વાસ જગાડયો છે.હિંસાની છાયામાં જીવતી મહિલાઓ માટે અભયમ ૧૮૧ માત્ર કાનૂની સહાય પૂરતી સીમિત નથી રહી, પરંતુ મુશ્કેલ સમયમાં સંવેદનશીલ કાઉન્સેલિંગ અને તાત્કાલિક રેસ્ક્યુ દ્વારા તેમને નવું જીવન આપવાનું કાર્ય કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.