Western Times News

Gujarati News

ગુલઝાર ફરી એક વખત બાળકો માટે ગીત લખશે

મુંબઈ, હિન્દી સિનેમાના દિગ્ગજ કવિ અને ગીતકાર ગુલઝાર ફરી એકવાર બાળકો માટે લખાણ તરફ વળ્યા છે. લાંબા સમય બાદ તેઓ એક બાળકોની ફિલ્મ માટે ગીતો લખી રહ્યા છે, જે વાત તેમના ચાહકો માટે ખુશખબર સમાન છે.બાળકો માટે લખાણ અંગે ગુલઝારે પોતાના પ્રેમની વાત કરતાં જણાવ્યું કે, બાળકોની દુનિયા નિર્દાેષતા, કલ્પનાશક્તિ અને સહજ આનંદથી ભરપૂર હોય છે. આવા વિષયો પર લખવું માત્ર સર્જનાત્મક અનુભવ નથી, પરંતુ તેમને પોતાને ફરી બાળક બનવાની તક પણ આપે છે.

તેમણે કહ્યું કે બાળમન સુધી પહોંચે એવા સરળ શબ્દો અને સૂર શોધવા એ લેખક માટે એક અલગ જ પડકાર હોય છે અને એ પડકારને તેઓ હંમેશા દિલથી સ્વીકારતા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુલઝારે અગાઉ પણ અનેક યાદગાર બાળગીતો આપ્યા છે, જે આજે પણ બાળકો અને મોટા બંનેમાં લોકપ્રિય છે. હવે તેમના આ કમબૅક સાથે આવનારી ચિલ્ડ્રન્સ ફિલ્મના ગીતો પ્રત્યે ઉત્સુકતા વધી ગઈ છે.૯૧ વર્ષની ઉંમરે પણ પોતાની ઇચ્છા મુજબ કામ કરતા પ્રખ્યાત ગીતકાર, ફિલ્મનિર્માતા અને કવિ ગુલઝાર હવે બાળકોની ફિલ્મ ‘મસાબ ટેન્ક’ માટે ફરી એકવાર ગીત લખવા જઈ રહ્યા છે.

આ અંગે તેમણે એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી. ગુલઝારે બાળકો માટે લખાણ પ્રત્યેના પોતાના અભિગમ વિશે વાત કરતા કહ્યું હતું, “બાળકો માટે લખવું માત્ર ઈચ્છા કે મહત્ત્વાકાંક્ષા નથી, પરંતુ મારી ફરજ છે. કમનસીબે, આજકાલ લેખકો આ વિષય પર ઘણીવાર અણગમાથી અને અધુરી ઇચ્છાશક્તિથી કામ કરે છે.”

ફિલ્મના વિષય વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘મસાબ ટેન્ક’ હૈદરાબાદનો એક વિસ્તાર છે, જ્યાં બાળકો માટેનું મેદાન છીનવી લેવામાં આવ્યું છે અને તેની જગ્યાએ ઈમારતો ઊભી કરવામાં આવી છે. નિર્માતા મેકા રાવનો આ પ્રોજેક્ટ તેમના દિલને સ્પર્શી ગયો છે, જેના કારણે તેઓ આ ફિલ્મ સાથે જોડાવા પ્રેરાયા છે.મેઘના ગુલઝાર સાથે આગામી ફિલ્મ દાયરામાં જોડાવા અંગે પૂછતાં ગુલઝારે જણાવ્યું કે આ ફિલ્મમાં કોઈ ગીતો નથી. તેમણે કહ્યું, “મેઘનાએ મને કહ્યું કે તે મને યાદ કરશે, પરંતુ તેની સ્ક્રિપ્ટમાં ગીતોની જગ્યા નથી. તેથી અમે સાથે કામ કરી શકીએ તેના માટે થોડી રાહ જોવી પડશે.”

ઉલ્લેખનીય છે કે મેઘના ગુલઝારની ‘દાયરા’ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ પહેલાં ગુલઝાર ‘લાકડી કી કાઠી’ થી લઈને ‘જંગલ જંગલ પતા ચલા હૈ’ જેવા યાદગાર બાળગીતો આપી ચુક્યા છે. ગુલઝારે જણાવ્યું કે તેઓ બાળકો માટે લખવાનું ચાલુ જ રાખશે. તેઓ કહે છે, “હું ફરી એકવાર સાચે બાળક બની જાઉં ત્યાં સુધી બાળકો માટે લખતો રહીશ.”

ગુલઝાર પોતાની બાળસાહિત્યની પરંપરા આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરતાં પોતાના શિષ્ય, ફિલ્મનિર્માતા-સંગીતકાર વિશાલ ભારદ્વાજ વિશે કહે છે, “મને આશા છે કે વિશાલ ‘ધ બ્લૂ અંબ્રેલા’ જેવી બાળકો માટેની ફિલ્મો બનાવતો રહેશે. બાળકો સાથે સીધા જોડી શકે એવા ગીતો રચવાની ખાસ કળા તેનામાં છે.”

આ સાથે તેમણે ઉમેર્યું કે તેમના જમાઈ ગોવિંદ સંધૂએ ગાઝા અને યુક્રેનમાં બાળકોની દુર્દશાથી પ્રેરિત એક પુસ્તક લખ્યું છે, જ્યારે તેમની પુત્રી મેઘનાએ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો પર આધારિત એક પુસ્તક તૈયાર કર્યું છે.તેમણે વધુમાં જણાવ્યું, “હું છેલ્લા ૪૦ વર્ષથી વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે કાર્ય કરતી ‘અરૂષિ’ સંસ્થા સાથે જોડાયેલો છું. મારી ફિલ્મ ‘કોશિશ’ બનાવતી વખતે આ સંસ્થાથી પરિચિત થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.