ચીયાડા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત મહિલા જાગૃતિ અને જાતિ સમાનતાનો કાર્યક્રમ યોજાયો
સ્વ સહાય જૂથની બહેનોને દીકરીઓના હક અને સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન
‘સંકલ્પ‘ હબ દ્વારા સ્ત્રી-પુરુષ સમાનતાના પાઠ ભણાવવામાં આવ્યા
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાવળા તાલુકાના ચીયાડા ગામે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં ગામની સ્વ સહાય જૂથની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે સમાજમાં જાતિગત અસમાનતા દૂર કરવા અને દીકરીઓના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાના પ્રતિનિધિઓ દ્વારા સ્ત્રી-પુરુષ સમાનતા, છોકરીઓના મૂળભૂત હકો, સુરક્ષા અને શિક્ષણના મહત્વ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન લિંગભેદ દૂર કરવાની અનિવાર્યતા પર ચર્ચા કરી બહેનોને તેમના દૈનિક જીવનમાં સમાનતાના મૂલ્યો કેવી રીતે અપનાવવા અને દીકરીઓ માટે સુરક્ષિત તેમજ સહાયક વાતાવરણનું નિર્માણ કઈ રીતે કરવું તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ઉપરાંત, વિવિધ પ્રેરણાત્મક ઉદાહરણો દ્વારા સ્વ સહાય જૂથની મહિલાઓમાં જાતિ સમાનતા પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના ઉદ્દેશ્યોને સાર્થક કરવામાં અને ગ્રામીણ સ્તરે સમાનતા આધારિત વિચારધારાના પ્રસાર માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થયો હતો.
