અમદાવાદના આકાશમાં ઉત્તરાયણનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો, ‘કાઈ પો છે’ ના નાદથી ગુંજી ઉઠી પોળો
અમદાવાદ: ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર મકરસંક્રાંતિના દિવસે બુધવારે અમદાવાદમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. ખાસ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે ઓળખાતા કોટ વિસ્તારના ખાડિયામાં ઉત્તરાયણનો એક અનોખો જ નજારો જોવા મળ્યો હતો.
સવારના પહેલા કિરણ સાથે જ ખાડિયા અને આસપાસની તમામ પોળોના ધાબા હજારો પતંગબાજોથી ઉભરાઈ ગયા હતા.
પતંગોત્સવના ગઢ ગણાતા ખાડિયામાં આજે આકાશ પતંગોથી એવું ઢંકાઈ ગયું હતું કે જાણે વાદળો પણ રંગીન બની ગયા હોય. નાની-મોટી પતંગો, ચીલ, અને ચાંદેદાર પતંગો વચ્ચે પેચ લડાવવાની સ્પર્ધા જામી હતી. જ્યારે પણ કોઈ પતંગ કપાતી, ત્યારે સમગ્ર વિસ્તાર “કાઈ પો છે…” અને “એ લપેટ…” ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠતો હતો. મ્યુઝિક સિસ્ટમ અને ઢોલ-નગારાના તાલે યુવાધન પતંગબાજીનો આનંદ માણતા જોવા મળ્યું હતું.

અમદાવાદની ઐતિહાસિક પોળોમાં પતંગોત્સવ માત્ર રમત નથી, પરંતુ એક સામાજિક મિલનનો ઉત્સવ છે. ધાબા પર પરિવારના તમામ સભ્યો એકઠા થયા હતા.
-
ખાન-પાનની જયાફત: પતંગબાજીની સાથે ગરમા-ગરમ ઊંધિયું, જલેબી, તલસાંકળી અને ચીકીની જયાફત ઉડાવવામાં આવી હતી.
-
વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ: ખાડિયામાં પતંગોત્સવ જોવા માટે આ વર્ષે અનેક વિદેશી સૈલાણીઓ પણ ઉમટી પડ્યા હતા, જેઓ અમદાવાદીઓની મહેમાનગતિ અને પતંગ ચગાવવાની કળા જોઈ મંત્રમુગ્ધ થયા હતા.

સાંજ ઢળતા જ આકાશમાં હજારો સફેદ પતંગો અને લાઈટવાળી પતંગો જોવા મળી હતી. રાત્રિના સમયે આકાશમાં આતશબાજીએ દીવાળી જેવો માહોલ સર્જ્યો હતો. એક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, “અમારા માટે ઉત્તરાયણ એટલે વર્ષનો સૌથી મોટો ઉત્સવ, જ્યાં આખું શહેર એકાકાર થઈ જાય છે.”

જોકે, ઉત્સાહની વચ્ચે પક્ષીઓને ઈજા ન પહોંચે અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે સ્વયંસેવી સંસ્થાઓ અને પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અમદાવાદની આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અમદાવાદની સંસ્કૃતિ અને ઉત્સાહ આજે પણ અકબંધ છે.
