Western Times News

Gujarati News

અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા

વોશિંગ્ટન, ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઇમિગ્રન્ટ્‌સ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાએ ૨૦૨૫માં આશરે એક લાખ ઇમિગ્રન્ટ્‌સના વિઝા રદ કર્યા હતાં. તેમાં આશરે ૮,૦૦૦ સ્ટુડન્ટ વિઝાનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ગુનેગાર વિદેશીઓ સામે દેશનિકાલની કાર્યવાહી ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી.સોમવારે અમેરિકાના વિદેશ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે આ ગુનેગારોને દેશનિકાલ કરવાનું ચાલુ રાખીશું. વિદેશ વિભાગે આશરે ૮,૦૦૦ સ્ટુન્ડ વિઝા અને ૨,૫૦૦ સ્પેશ્યલાઇઝ્ડ વિઝા સહિત આશરે ૧ લાખ વિઝા રદ કર્યા છે.

આ વિઝા ધારકોને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં તપાસ એજન્સીઓએ ઝડપી લીધાં હતાં.વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ૧૦૦,૦૦૦થી વધુ વિઝા રદ કર્યા છે.

તેમાં હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ માટે દોષિત હજારો વિદેશી નાગરિકોના રદ કરાયેલા વિઝાનો સમાવેશ થાય છે.૨૦૨૫માં રદ કરાયેલા વિઝાની સંખ્યા ૨૦૨૪ની સરખામણીમાં બમણી છે. બાઇડન સરકારના અંતિમ વર્ષ ૨૦૨૪માં ૪૦,૦૦૦ વિઝા રદ કરાયા હતા. ૨૦૨૫માં મોટાભાગે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા પર આવેલા અને મુદત કરતાં વધુ સમય અમેરિકામાં રહેલા લોકોના વિઝા રદ કરાયા હતા.આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિને કારણે ૮,૦૦૦ સ્ટુડન્ટ વિઝા અને ૨,૫૦૦ સ્પેશ્યલ વિઝા પણ રદ કરાયા હતાં.

રદ કરાયેલા સ્પેશ્યલાઇઝ્ડ વિઝામાંથી અડધો અડધ વિઝા રદ થવાનું કારણ નશામાં ડ્રાઇવિંગ હતું. હુમલો, મારપીટ અથવા કેદના આરોપો માટે ૩૦% અને બાકીના ૨૦% ચોરી, બાળ શોષણ, માદક દ્રવ્યોના દુરુપયોગ અને વિતરણ જેવા ગુના માટે રદ કરાયા હતાં.

વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેના નવા સતત ચકાસણી કેન્દ્ર દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ સામે આક્રમક અભિગમ ચાલુ રાખશે. અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે આ ગુનેગારોને દેશનિકાલ કરવાનું ચાલુ રાખીશું. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા-ફર્સ્ટ નીતિ ચાલુ રાખશે તથા જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઉભું કરતાં વિદેશી નાગરિકોથી દેશને સુરક્ષિત રાખશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.