દેશવ્યાપી સાયબર ફ્રોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદ , શહેરના રામોલ વિસ્તારમાં નોંધાયેલા અને દેશભરમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના હાઈપ્રોફાઈલ કેસમાં પકડાયેલા આરોપી ગૌરવ ઉર્ફે ગૌરાંગ જયંતીભાઈ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આરોપીએ ઓછું ભણેલા લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ તેમના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી માટે ઉપયોગ કર્યાે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, ભોળા લોકોના નામે ૪૦ એકાઉન્ટ ખોલાવી એક જ મહિનામાં ૧.૪૮ અબજથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા, દેશભરમાં ૧૧૭ ફરિયાદો નોંધાઇ છે.
કરોડોના સાયબર ફ્રોડ કેસમાં આરોપી ગૌરવ ઉર્ફે ગૌરાંગ પટેલે પોતાની મુક્તિ માટે નિયમિત જામીન મેળવવા અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેમની કસ્ટડીમાં પૂછપરછની જરૂર નથી, આરોપી જામીન પર મુક્ત થયા બાદ તપાસમાં પૂર્ણ સહકાર આપશે અને કોર્ટની તમામ શરતોનું પાલન કરશે.તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.
અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આ એક ગંભીર અને દેશ વ્યાપી સાયબર ફ્રોડ છે. આરોપીએ ખોલાવેલા બેંક ખાતામાં માત્ર ૪૦ દિવસના ટૂંકા ગાળામાં ૧,૪૮,૩૩,૧૫,૭૮૩ની માતબાર રકમના ટ્રાન્ઝેક્શન થયા છે. આ બેંક ખાતાનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરવામાં આવી છે, જે અંગે સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં કુલ ૧૧૭ જેટલી ફરિયાદો નોંધાયેલી છે.
સહ આરોપીએ મુકેશ સોની અને દિનેશ સોની જેવા ઓછું ભણેલા અને અજ્ઞાન લોકોના દસ્તાવેજો મેળવી, તેમને લોન અપાવવાની લાલચ આપી તેમના નામે ખાતા ખોલાવી સાયબર ળોડ માટે વાપર્યા હતા. ગુનાની તપાસ હજુ નાજુક તબક્કે છે અને આરોપીએ અન્ય વ્યક્તિઓના પણ આવા બેંક એકાઉન્ટ ખોલાવેલા હોવાની સંભાવના છે, તેથી તેને જામીન ન આપવા જોઈએ.
સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ પી. બી. પટેલ દ્વારા જામીન અરજી નામંજૂર કરતા ચુકાદામાં નોંધ્યું હતું , આરોપી સામે ગંભીર પ્રકારના આક્ષેપો છે અને તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપીએ મુકેશ અને દિનેશ સોની જેવા લોકોના નામે આશરે ૪૦ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અને તેનો ઉપયોગ આંતરરાજ્ય સાયબર ક્રાઈમમાં કર્યાે છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને દેશભરમાં નોંધાયેલી ૧૧૭ ફરિયાદોને ધ્યાને લેતા આરોપીને મુક્ત કરવો ન્યાયના હિતમાં નથી.SS1MS
