Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરના લીંબડીમાં ભરબજારે યુવાનની હત્યા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લીંબડીમાં પ્રેમ લગ્ન મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો. લીંબડીના લિયાદ ગામના હિતેષભાઈ હેમુભાઈ સુરેલા પરિવારના અન્ય બે સભ્યો સાથે લીંબડીમાં પતંગ અને દોરીની ખરીદી કરવા આવ્યા હતા તે સમયે પાંચથી છ અજાણ્યા શખ્સોએ શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક છરી અને લાકડી વડે હુમલો કરી ગણતરીની મિનિટોમાં યુવાનની કરપીણ હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા.

પાંચથી છ લોકો લાકડી અને છરી વડે યુવક પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.હત્યા સમયે બજારમાં અનેક લોકોની હાજરીમાં હુમલાખોરો આ હિચકારી કૃત્ય કર્યું હતું, પરંતુ કોઈપણ તે લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યાે ન હતો.

હુમલામાં અન્ય એક યુવાનને પણ છરી વાગી જતાં ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે હિતેશ સુરેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યાે હતો. આ સાથે પોલીસે હત્યારાઓને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

જાહેર રસ્તાઓ પર હત્યાથી ટોળેટોળા ઉમટી પડતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. લીંબડી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ લોહિયાળ ખેલ અંગત અદાવતમાં ખેલાયો હોવાનું બહાર આવ્યું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતક યુવાનના પરિવારની યુવતીએ લિયાદ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ઝઘડા થતા હોય તેનું મનદુઃખ રાખી હુમલો કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.