Western Times News

Gujarati News

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા

અમદાવાદ, અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત રાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખસોએ એક યુવકની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે અમરાઈવાડીમાં રહેતા ૨૩ વર્ષીય રાહુલ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાહુલે તેના નાના ભાઈ ચિરાગની હત્યા અંગે મંથન ઉર્ફે રૂત્વિક પરમાર તથા જયદિપ શાહ, હર્શીલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. સમાધાન કરવાના બહાને બોલાવીને આ શખસોએ ચિરાગ પર હુમલો કર્યાે હતો.ઉત્તરાયણે રાત્રે આશરે ૯.૪૫ વાગ્યે આ ખૂની ખેલ ખેલાયો હતો. આરોપી મંથન અને તેના મિત્રોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.

અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સમાધાન કરવા માટે મંથને ચિરાગ રાઠોડ અને તેના મિત્ર નયનને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા.ચિરાગ અને નયન ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેમની સાથે બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યાે હતો.

જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને ચારેય શખસોએ ભેગા મળીને ચિરાગને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા મંથન પાસે રહેલી છરી કાઢી ચિરાગના શરીરના જમણી બાજુના પડખામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સાક્ષી તરીકે નયન અને ગૌરાંગ મકવાણા સહિતના મિત્રો હાજર હતા. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.