કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું: રાની
મુંબઈ, ૧૯૯૭માં ‘રાજા કી આયેગી બારાત’થી સિનેમાની દુનિયામાં પગલું મૂકનાર રાની મુખર્જીએ હવે પોતાની કારકિર્દીનાં ૩૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. આ અવસરે યશ રાજ ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પર રાની દ્વારા લખાયેલ ભાવુક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પોતાની યાત્રાની શરૂઆતથી લઈ આજ સુધીના અનુભવ શેર કર્યા છે. તેણે આ પોસ્ટમાં પોતાની નાની શરૂઆત, કામ અને પ્રેમ માટે દર્શકોનો આભાર અને આજે પણ તે કઈ રીતે કેમેરા સામે નર્વસ થઈ જાય છે. તે વિશે વાત કરી છે.
રાનીએ લખ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ વીત્યા એ તેને માનવામાં નથી આવતું, છતાં તેને આજે પણ વધુ કામ માટેની ભુખ અનુભવાય છે.રાનીએ લખ્યું, “ત્રીસ વર્ષ પહેલા હું કોઈ મોટું પ્લાનિંગ લઈને સેટ પર આવી નહોતી. મેં અભિનેત્રી બનવાનું સપનું જોયું નહોતું — સિનેમાએ મને શોધી લીધી. આજે પણ મારી અંદર એ જ ગભરાયેલી યુવતી જીવે છે, જે પહેલી વખત કેમેરા સામે ઊભી રહી હતી અને આશા રાખતી હતી કે ડાયલોગ ભૂલી ન જાઉં અને હું આ જગ્યા માટે જ બની છું.”
તેણે ઉમેર્યું કે તે ફિલ્મોમાં ઉત્સુકતા, ડર અને કહાણી પ્રત્યેના ઊંડા પ્રેમ સાથે આવી હતી. ‘રાજા કી આયેગી બારાત’માં સ્ત્રીના ગૌરવ માટે લડતી યુવતીની ભૂમિકા ભજવવાથી તેને શીખ મળી કે સિનેમા ગ્લેમર કરતાં પહેલાં એક જવાબદારી છે.
૧૯૯૦ના પાછળના વર્ષાેને તેણે જાદુઈ સમય ગણાવ્યો, જ્યારે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ‘સાથિયા’થી તેની કારકિર્દીમાં વળાંક લાવ્યો. ‘હમ તુમ’ જેવી ફિલ્મોએ તેને સમજાવ્યું કે સ્ત્રી પાત્રો મજાક મસ્તીભર્યા, તીખા અને સંવેદનશીલ — બધું એક સાથે હોઈ શકે છે. ‘બ્લેક’ વિશે રાનીએ કહ્યું કે સંજય લીલા ભણસાલી અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાથી તે પોતાની અંદર અજાણી ક્ષમતાઓ શોધી શકી.
તેણે લખ્યું,“આજેય બ્લેક મારા જીવનનો સૌથી ભાવનાત્મક અનુભવ છે.” તેણે ‘બંટી ઔર બબલી’, ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ફિલ્મોનાં પાત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દુનિયાને પડકારતી સ્ત્રીઓ તરફ તે હંમેશા આકર્ષાય છે અને ‘મર્દાની’ ફ્રેન્ચાઈઝી તેના દિલની ખૂબ નજીક છે. લગ્ન અને માતૃત્વ વિશે વાત કરતાં રાનીએ લખ્યું કે આ અનુભવોએ તેની ગતિને અસર નથી કરી, પરંતુ વધુ ફોકસ બનાવી છે.
‘મિસિસ ચટર્જી વર્સેસ નોર્વે’ માટે મળેલા નેશનલ એવોર્ડ અંગે તેણે કહ્યું કે માતા બન્યા પછી આ ભૂમિકા ભજવવી તેમના માટે જીવન બદલનારો અનુભવ રહ્યો. પોતાની ૩૦ વર્ષની યાત્રા અંગે રાની કહે છે, “દીર્ઘકાલિન સફળતા હંમેશા પ્રસ્તુત રહેવામાં નથી, પરંતુ ઈમાનદાર રહેવામાં છે.
મેં હંમેશા દિલની વાત સાંભળી છે.” અંતમાં ચાહકોનો આભાર માનતાં તેમણે લખ્યું, “આજે પણ હું પોતાને નવોદિત કલાકાર સમાન માનું છું — વધુ મહેનત કરવા, નવા પડકાર સ્વીકારવા અને જીવનનો નવો અધ્યાય શરૂ કરવા આતુર છું.”SS1MS
