Western Times News

Gujarati News

મમતા સરકારને મોટો ઝટકોઃ ઈડીના કામમાં અવરોધ ન લાવોઃ સુપ્રીમ

ઈડી અધિકારીઓ સામેની એફઆઈઆર પર મૂક્યો પ્રતિબંધ

(એજન્સી)નવી દિલ્હી, કોલકાતામાં ૮ જાન્યુઆરીના રોજ આઈપીએસી રેડ કેસમાં ઈડીની અરજી પર સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે સીએમ મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો અને કહ્યું કે કેન્દ્રીય એજન્સીના આરોપો ગંભીર છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું કે સરકાર ઈડીના કામમાં દખલ ન આપે. એજન્સીને પોતાનું કામ કરવા દે. કોર્ટે ૩ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી સુધી ઈડી અધિકારીઓ વિરુદ્ધ દાખલ એફઆઈઆર પર પણ રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- આ મામલે કેટલાક મોટા સવાલો છે, જેનો જવાબ ન મળે તો અરાજકતા ફેલાઈ શકે છે. જો કેન્દ્રીય એજન્સીઓ કોઈ ગંભીર ગુનાની તપાસ માટે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહી છે, તો શું તેમને રાજનીતિ કરીને રોકી શકાય છે? કોલકાતામાં ૮ જાન્યુઆરીએ આઈપીએસી ઓફિસ અને કંપનીના ડાયરેક્ટર પ્રતીક જૈનના ઘરે દરોડા (રેડ) મામલે ઈડીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે.

ઈડીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્યાં પહોંચ્યાં અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો તથા દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયાં. ઈડીનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કહ્યું, મમતાની સાથે બંગાળના ડ્ઢય્ઁ પણ પોલીસ ટીમ સાથે પહોંચ્યા હતા. પોલીસે ઈડીના અધિકારીઓના મોબાઈલ છીનવી લીધા. સીએમ મીડિયાની સામે પણ ગયા. આ રીતે ઈડીનું મનોબળ તૂટે છે અને તેમના કામમાં અવરોધ આવે છે.

બંગાળ સરકારનો પક્ષ રાખતા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું- આઈપીએસી ડાયરેક્ટર પ્રતીક જૈનના લેપટોપમાં ચૂંટણી સંબંધિત તમામ માહિતી હતી. તેઓ લેપટોપ અને તેમનો અંગત આઈફોન લઈને ગયા હતા. બસ આટલું જ. સીએમએ દરોડામાં કોઈ અવરોધ ઊભો કર્યો ન હતો.

આઈપીએસી પાસે ટીએમસીના દસ્તાવેજો હતા, તેથી જ ઈડી ત્યાં ગઈ હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું- તમારો દાવો ખોટો છે. જો ઈડીનો ઈરાદો દસ્તાવેજો જપ્ત કરવાનો હોત, તો તેમણે જપ્ત કરી લીધા હોત, પરંતુ કંઈપણ જપ્ત કર્યું નથી. અમારે તપાસ કરવી પડશે. સરકાર અમને નોટિસ જારી કરતા રોકી શકે નહીં. ઈડીએ ૮ જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના આઈટી હેડ અને પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને કંપની ઓફિસ પર દરોડો પાડ્‌યો હતો.

આ દરમિયાન મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા અને કેટલીક ફાઈલો પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તપાસ એજન્સીનો આરોપ છે કે મમતાએ દરોડા દરમિયાન અવરોધ ઊભો કર્યો હતો. પુરાવાઓ સાથે ચેડાં કરવામાં આવ્યાં, મહત્ત્વના દસ્તાવેજો છીનવી લેવામાં આવ્યા અને ઈડી અધિકારીઓને ધમકાવ્યા. અરજીમાં મુખ્યમંત્રી અને ટોચના પોલીસ અધિકારીઓ પર લૂંટ, ચોરી અને લૂંટફાટ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.

ઈડીની માગ છે કે ગેરકાયદે અને બળજબરીથી લઈ જવાયેલા તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, સ્ટોરેજ મીડિયા અને દસ્તાવેજો જપ્ત કરીને સીલ કરવામાં આવે. બંગાળ સરકારે પણ ૧૦ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સરકારે કહ્યું હતું કે તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવામાં આવે.

૮ જાન્યુઆરીએ ઈડીની ટીમે પ્રતીક જૈનના કોલકાતાના ગુલાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને બીજી ટીમે સોલ્ટલેક સ્થિત ઓફિસ પર દરોડા પાડ્‌યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે પોલિટિકલ સ્ટ્રેટેજી તૈયાર કરે છે. કાર્યવાહી સવારે ૬ વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ લગભગ ૧૧ઃ૩૦ વાગ્યા પછી મામલો ગરમાયો. સૌથી પહેલા કોલકાતા પોલીસ કમિશનર, પ્રતીકના નિવાસસ્થાને પહોંચ્યા.

થોડા સમય પછી સીએમ મમતા બેનર્જી પોતે લાઉડન સ્ટ્રીટ સ્થિત તેમના ઘરે પહોંચી ગયાં. મમતા ત્યાં થોડીવાર રોકાયાં. જ્યારે બહાર નીકળ્યાં ત્યારે તેમના હાથમાં એક લીલી ફાઇલ દેખાઈ. આ પછી તેઓ આઈ-પીએસીની ઓફિસે પણ ગયાં. તેમણે કહ્યું- ગૃહમંત્રી મારી પાર્ટીના દસ્તાવેજો ઉઠાવી રહ્યા છે. ઈડીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ૬ અને દિલ્હીમાં ૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. ૯ જાન્યુઆરીના રોજ ટીએમસીના કાર્યકરોએ દિલ્હીથી કોલકાતા સુધી વિરોધપ્રદર્શન કર્યું.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈડી પર બે એફઆઈઆર પણ નોંધાવી છે. તેમણે કોલકાતામાં માર્ચ પણ કાઢી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની પાસે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પેન ડ્રાઈવ છે. તેમણે કહ્યું- દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સુધી કોલસાકૌભાંડની રકમ પહોંચે છે. મારી પાસે તેના પુરાવા છે. જરૂર પડશે તો હું તેમને જનતા સમક્ષ રજૂ કરી શકું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.