ભારત-ઓમાન વચ્ચે વર્ષો જૂના દરિયાઈ સંબંધો પુનઃસ્થાપિત થયા
(એજન્સી)મસ્તક, ભારત અને ઓમાન વચ્ચેના હજારો વર્ષ જૂના દરિયાઈ અને સાંસ્કૃતિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌકાદળનું પરંપરાગત રીતે નિર્મિત જહાજ આઈએનએસવી કૌડિન્ય તેની પ્રથમ પોરબંદર-મસ્કત સફર સફળતાપૂર્વક પૂર્ણ કરીને મસ્કત પહોંચ્યું છે.
મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જહાજના ક્રૂ મેમ્બર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રાચીન કળા અને આધુનિક મૈત્રીનો સંગમ આઈએનએસવી કૌડિન્યનો હેતુ ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળાને વિશ્વ સમક્ષ લાવવાનો છે. અજંતાની ગુફાઓના ચિત્રોમાંથી પ્રેરિત આ જહાજને આધુનિક ખીલીઓ કે ધાતુના જોડાણ વગર, માત્ર દોરીઓથી સીવીને તૈયાર કરવામાં આવ્યું છે.
આ સફર ભારત અને ઓમાન વચ્ચેના ૫,૦૦૦ વર્ષ જૂના વ્યાપારિક અને સભ્યતાના જોડાણને પુનર્જીવિત કરે છે. આ દરમિયાન મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનના પરિવહન અને આઈટી મંત્રી એચ.ઈ. એન્જિનિયર સઈદ બિન હમૂદ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સોનોવાલે બંને દેશો વચ્ચે ‘ગ્રીન શિપિંગ કોરિડોર’ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમણે ઓમાનની કંપનીઓને ભારતના વિશાળ મેરીટાઈમ પ્રોજેક્ટ્સ જેવા કે મહારાષ્ટ્રના વધાવણ પોર્ટ (૯ અબજ ડોલર) અને તમિલનાડુના તુતીકોરીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. સ્વાગત સમારોહમાં ઓમાનના પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બંને દેશોના પરંપરાગત નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
