બિલ્ડર હત્યા કેસમાં વકીલ સહિત ૩ની ધરપકડ: ત્રણ હજુ ફરાર
સુરત, સુરત અને ભરૂચમાં પ્રોજેકટ ધરાવતા સરથાણાના યુવાન બિલ્ડરની સોમવારે ૧રમી જાન્યુઆરીના રોજ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. કતારગામ પોલીસે વકીલ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.
આરોપીઓની પૂછપરછમાં મહિલા સાથેના અનૈતિક સંબંધમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હજી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના જીરા ગામના વતની અને સુરતના સરથાણામાં રહેતા ૪૬ વર્ષીય બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણી ૧ર જાન્યુઆરીએ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે કે.કે.પી.નગરમાં ગયા હતા.
ત્યારે ત્રણથી ચાર શખ્સો સાથે ઝપાઝપી થતાં બે વ્યક્તિએ તેમને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. ગંર ઈજાગ્રસ્ત હાલતમાં વિપુલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, ફરજના પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા.
બાદમાં પોલીસે તેમને સમજાવતા મામલો થાળે પડયો હતો. મંગળવારે પોલીસે વકીલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યામાં અન્ય ત્રણ શખ્સો હજુ ફરાર છે. તેમની શોધખોળ કરાઈ રહી છે. તેવું ડીસીપી રાઘવ જૈનનું કહેવું છે કે, પોલીસે ત્રણ આરોપીઓ અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને પ્રફુલ સોલંકીને ઝડપી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મહિલા સાથેના અનૈતિક સંબંધના કારણે બિલ્ડર વિપુલની હત્યા કરવામાં આવી છે.
વિપુલ પોતાની બાઈક લઈને કતારગામના જેકેપી નગર ખાતે આવ્યો હતો. આરોપીઓ તમામ જેકેપી નગર ખાતે જ રહે છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રફુલ સોલંકી વકીલ છે જ્યારે આ હત્યામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ અજય સોલંકી, પ્રવિણ સોલંકી અને કુલદીપ પટેલ હજુ ફરાર છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિન્કન્સ્ટ્રકશન પણ કરાયું હતું.
