Western Times News

Gujarati News

ભારત-ઈયુ વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએઃ કૃષિનો સમાવેશ નહીં

નવી દિલ્હી, ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન સંઘના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેએન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યાે છે ત્યારે ભારત-ઈયુ વચ્ચે ૨૭ જાન્યુઆરીના રોજ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. જોકે આ કરારમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરાયો નથી. ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં ઈયુનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર ૧૩૫ અબજ ડોલર હતો. બંને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી યુરોપિયન કાઉન્સિલ અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ ઉરસુલા વોન ડેર લેઈન ૨૫થી ૨૭ જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ભારત દ્વારા દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિદેશી મહાનુભાવોને આમંત્રિત કરાય છે. આ વર્ષે આવી રહેલા ઈયુના નેતાઓ ૨૭ જાન્યુઆરીએ યોજાનારી ભારત-ઈયુ સમિટમાં પણ ભાગ લેશે.

ઈયુ સંઘની સત્તાવાર યાદી મુજબ, ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવા અને મહત્ત્વના ક્ષેત્રોમાં જોડાણ મજબૂત બનાવવાના હેતુથી આ સમિટ યોજાઈ રહ્યું છે. સમિટ દરમિયાન ટ્રેડ, સિક્યુરિટી, ડીફેન્સ, ક્લીન ટ્રાન્સિશન અને પીપલ ટુ પીપલ કો-ઓપરેશન અંગે ચર્ચા થશે. કોસ્ટાએ કહ્યું હતું કે, ઈયુ માટે ભારત મહત્ત્વનું ભાગીદાર છે.

બંને પક્ષ પાસે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું રક્ષણ કરવાની ક્ષમતા છે. ભાગીદારીના નિર્માણ સાથે સહકારને વેગ આપવાની તક આ બેઠકમાં મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમિટ દરમિયાન ફ્રી ટ્રેડ ડીલ પર મંજૂરીની મહોર માગશે.

ટેરિફની બીક બતાવી સમગ્ર વિશ્વમાં આર્થિક અરાજકતાનો માહોલ ઊભો કરી રહેલા અમેરિકાની જોહુકમી રોકવામાં પણ આ ડીલ મદદરૂપ થઈ શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશ વચ્ચે કરાર થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.