બગદાણા વિવાદ: યુવકને ન્યાયની માંગ સાથે ચાર યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
ભાવનગર, ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધીયા પર થયેલા હુમલાના વિરોધમાં આજે ચાર યુવકોએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. હુમલાના કેસમાં લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહેલા યુવાનો આજે બપોરે એકાએક એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મઘાતી પગલું ભરવા તૈયાર થયા હતા.
જોકે ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ સમયસૂચકતા વાપરી યુવાનો દિવાસળી ચાંપે તે પહેલા જ તેમને ઝડપી પાડ્યા હતા.આ ઘટના બાદ પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડ્યા હતા. બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાય ન મળતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ આત્મવિલોપનના પ્રયાસ પૂર્વે જ પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલાક આગેવાનોની અડધી રાતે અને અમુકની આગલા દિવસે જ અટકાયત કરી લેવામાં આવી હતી.
કોળી સમાજના આગેવાન અને એડવોકેટે આ મામલે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પોલીસ ન્યાય માંગતા સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં વ્યસ્ત છે પરંતુ આ કેસના સાચા આરોપીઓને પકડવામાં કેમ ઢીલ રાખવામાં આવી રહી છે. હાલ આ બનાવને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો થાળે પાડવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.SS1MS
