રાજકોટમાં પ્રેમિકાએ મિત્ર સાથે મળીને પ્રેમીને રહેંસી નાંખ્યો
રાજકોટ, રાજકોટના સહકાર રોડ પર મકર સંક્રાંતિની સાંજે સરાજાહેર હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં ૨૫ વર્ષીય સાવન રમણીકગીરી ગોસ્વામી નામના યુવાનની તેની જ પૂર્વ પ્રેમિકા વર્ષા ગઢવીએ પોતાના મિત્ર દર્શન ઉર્ફે ભુદેવ સાથે મળીને છરીના ૧૭ જેટલા ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકના પિતાની ફરિયાદ પરથી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને સકંજામાં લીધા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૂળ કાલાવડના નાની વાવડી ગામનો વતની સાવન છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટમાં ૪૫ વર્ષીય વર્ષા ગઢવી સાથે લગ્ન વગર પતિ પત્નીની જેમ રહેતો હતો. જોકે છેલ્લા ચારેક મહિનાથી બંને વચ્ચે મનમેળ ન હોવાથી સાવન અલગ રહેતો હતો.
અલગ થયા હોવા છતાં સાવન વર્ષાને હેરાન કરતો હોવાનો ખાર રાખીને આ હત્યા કરવામાં આવી હતી. ઘટનાના દિવસે વર્ષાએ સાવનને ફોન કરીને સહકાર રોડ પર બોલાવ્યો હતો જ્યાં વર્ષા અને હાલમાં તેની સાથે રહેતા દર્શને મળીને સાવન પર છરી વડે તૂટી પડ્યા હતા.
સાવનને શરીરના વિવિધ ભાગોએ ૧૭ જેટલા ઘા વાગતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા મૃતકના પિતા રમણીકપરી ગોસ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તેમણે જણાવ્યું હતું કે દર્શન ઉર્ફે ભુદેવે અગાઉ ફોન કરીને સાવન જો વર્ષાનો પીછો નહીં છોડે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ મહિના પહેલા સાવને પણ વર્ષા સાથે ઝઘડો કરી તેને છરી મારી હોવાની વિગતો તપાસમાં ખુલી છે. પોલીસે ગુનો નોંધીને બંને આરોપીને સકંજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.SS1MS
