Western Times News

Latest News in Gujarat

ટેરીના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરીનું 79 વર્ષની ઉંમરમાં નિધન

નવી દિલ્હી : ટેરી (TERI)ના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરી (RK Pachauri)નું ગુરુવારે 79 વર્ષની ઉંમરમા નિધન થયું છે. પચૌરીને મંગળવારે હાર્ટ એટેક આવ્યા પછી દિલ્હીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યા તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 79 વર્ષીય પચૌરીની હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી થઈ હતી.

ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ના ડાયરેક્ટર જનરલ અજય માથુરે પચૌરીના નિધનની પૃષ્ટિ કરી છે. અજય માથુરે કહ્યું હતું કે ટેરી આજે જે કાંઈપણ છે તે પચૌરીના સખત પ્રયત્નોના કારણ છે. પચૌરીએ અમને સ્થાયિત્વના ક્ષેત્રમાં એક અગ્રણી સંગઠન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માથુરે 2015માં પચૌરી પછી ટેરીની કમાન સંભાળી હતી.

પચૌરી પર તેમના એક પૂર્વ મહિલા સહયોગીએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જે પછી તેમણે ‘ધ એનર્જી એન્ડ રિસોર્સેસ ઇન્સ્ટિટ્યૂટ’ ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. પચૌરીનો જન્મ 20 ઓગસ્ટ 1940ના રોજ નૈનીતાલમાં થયો હતો. તેમણે બિહારના જમાલપુર સ્થિત ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેકેનિકલ એન્ડ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.