મુખ્યમંત્રીએ ભાવનગરમાં રૂ. 1.16 કરોડના સાધન સહાયનું 1017 દિવ્યાંગજનોને વિતરણ કર્યુ
સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ. 820 કરોડથી વધુની સહાય આપીઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
:: મુખ્યમંત્રીશ્રી ::
Ø વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે.
Ø દિવ્યાશા કેન્દ્રો દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ બન્યાં.
Ø દિવ્યાંગ ખેલાડીઓ વિશ્વકક્ષાની રમતોમાં વધુ મેડલ મેળવે તેની તાલીમ માટે ગાંધીનગરમાં રૂ.316 કરોડના ખર્ચે પેરા એથલિટ્સ હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે.
Ø ‘સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત’ના વિઝન સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષોમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક ક્રાન્તિકારી બદલાવ આવ્યા છે: કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં લાવવાની સંવેદનશીલ પહેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી:કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોના હિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે.
ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું,
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એક જ દિવસમાં એક સાથે 1017 દિવ્યાંગજનોને રૂ.1.16 કરોડના સાધન સહાય અર્પણ કરવાના આ નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમને દિવ્યાંગ કલ્યાણની સરકારની પ્રતિબદ્ધતા ગણાવી હતી.
ભાવનગર અને બોટાદ જિલ્લામાં 15 દિવસ સુધી કેમ્પો યોજીને 2600થી વધુ દિવ્યાંગજનોને રૂ. 3.51 કરોડના 4800થી વધુ સાધનો વિનામૂલ્યે આપીને તેમની આત્મનિર્ભરતાનું મહત્વપૂર્ણ કાર્ય ઉપાડવા બદલ કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણિયા અને તેમની ટીમને મુખ્યમંત્રીશ્રીએ અભિંનદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજ્યની બે જાહેર કંપનીઓ જેટકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે પણ સી.એસ.આર. અન્વયે આ સાધન સહાય વિતરણમાં યોગદાન આપ્યું છે તેની પણ સરાહના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ. 820 કરોડથી વધુની સહાય આપી છે. એટલું જ નહિ, દિવ્યાંગોને પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી તેમાંથી પણ મુક્તિ મળી છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાના નિર્ણયથી દિવ્યાંગોને મોટી રાહત આપી છે.
તેમણે કહ્યું કે, હવે 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓને સંત સુરદાસ યોજનાનો લાભ અપાય છે. આવી યોજનાઓનો લાભ મળવાથી દિવ્યાંગજનો આત્મસન્માનથી જીવતા થયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દિવ્યાંગોનું જીવન બદલ્યું અને નવી તકો આપી તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે. આ અભિયાનને કારણે દેશમાં સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉભી થઈ છે અને ઈઝ ઓફ લિવિંગ સરળ
બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી “દિવ્યાશા” કેન્દ્રના નિર્માણની કરેલી પહેલ વિશે છણાવટ કરતા કહ્યું કે, આ કેન્દ્રો મારફતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં 300 દિવ્યાશા કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે તેમાંથી 100 જેટલા તો કાર્યરત થઈ ગયા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ અપનાવી છે તેની પણ વિગતો આપી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં 316 કરોડ રૂપિયાના ખર્ચે પેરા એથલિટ્સ માટે હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે. આવનારા સમયમાં યોજાનારી વિશ્વકક્ષાની રમતોમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધુને વધુ મેડલ મેળવે તેવી તાલીમ આ હાઇપરફોર્મન્સ સેન્ટરમાં અપાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં દિવ્યાંગજનોને શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી અને ઉદ્યોગોમાં સમાન ભાગીદાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
કેન્દ્રિય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં અનેક ક્રાન્તિકારી બદલાવ આવ્યાં છે. દિવ્યાંગજનો માટે સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં અંદાજે 2700 જેટલાં દિવ્યાંગજનનું ઍસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દિવ્યાંગજનને “આત્મનિર્ભર” બનાવવા સતત પ્રયાસરત છે. ADIP યોજના હેઠળ લાખો દિવ્યાંગજનોને નિઃશુલ્ક આધુનિક સહાયક સાધનો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં દિવ્યાંગજનને સાધન-સહાય માટે અંદાજે 18 હજારથી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 31 લાખ કરતાં વધુ દિવ્યાંગજનો સુધી સહાય પહોચાડવામાં આવી છે.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “દિવ્યાંગ” શબ્દની ભાવનાત્મક અભિવ્યક્તિ અને દિવ્યાંગજનો માટેની વ્યવસ્થાઓની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જે સંવેદનશીલ પહેલ કરી હતી, જેનું ફળ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સાલસતા, નિખાલસતા અને સંવેદનશીલ કાર્યશૈલી દ્વારા ગુજરાતમાં એક મક્કમ નેતૃત્વ સ્થાપિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. દિવ્યાંગજનના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવતી પહેલોની તેમણે પ્રશંસા કરી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે CSR ફંડનો યોગ્ય ઉપયોગ સમાજહિતમાં કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારી અને ખાનગી કંપનીઓ આગળ આવી રહી છે. દિવ્યાંગજનોને સાધન સહાય મળવાથી તેઓ આત્મનિર્ભર બની શકે છે અને સમાજની મુખ્યધારામાં જોડાઈ શકે છે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું. ભાવનગર કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે સ્વાગત પ્રવચન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ આભરવિધિ કરી હતી. કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગિક પ્રવચન એલીમ્કો કંપનીના જનરલ મેનેજર શ્રી વિવેક દ્વિવેદીએ કર્યું હતુ.
આ અવસરે ભાવનગરના પ્રભારીમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વશ્રી સેજલબેન પંડયા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ગોહિલ, કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણના જોઇન્ટ સેક્રેટરી શ્રી રવિ શંકર, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
