હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ
Files photo
(એજન્સી)નવી દિલ્હી, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ (બીએમસી મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે.
બીએમસી ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે અમીટ શાહી લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના સ્દ્ગજી ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌથી પહેલા આ અંગે અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ જાણીજોઈને આવી નબળી શાહી વાપરે છે જેથી સત્તાધારી પક્ષને ફાયદો થાય અને નકલી વોટિંગ કરાવી શકાય.ઉર્મિલા તાંબેની ફરિયાદ બાદ જ્યારે મીડિયાકર્મીઓએ આની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આંગળી પર એસીટોન લગાવતા જ શાહી તરત જ સાફ થઈ ગઈ હતી.
વિપક્ષી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની ખામીઓ ગણાવતા એવો આરોપ લગાવ્યો કે, વોટ આપ્યા પછી આંગળી પર લગાવવામાં આવતી શાહી બહુ આસાનીથી ભૂંસાઈ જાય છે. આ મામલે ચૂંટણી પંચની જવાબદારી નક્કી થવી જોઈએ.
બીજી તરફ, બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ પણ આ વાત સ્વીકારી છે કે માર્કર પેનથી કરવામાં આવેલું નિશાન કાયમી નથી અને તેને સહેલાઈથી સાફ કરી શકાય છે.
