Western Times News

Gujarati News

ગુજરાતમાં નાની ઊંમરે હાર્ટ અટેકની મોટી સમસ્યા

ભાભરમાં હાર્ટ એટેકથી ૪ લોકોના મોત-શિયાળામાં યોગ અથવા કસરત કરતી વખતે ઓછામાં ઓછા બે સ્તરના ગરમ કપડાં પહેરવા, ધીમે ધીમે વોર્મઅપ કરવું અને શરીરના સંકેતોને અવગણવા નહીં 

(એજન્સી)ભાભર, ગુજરાતભરમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે અને તેમના અચાનક મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતના અનેક સ્થળોએથી રોજબરોજ આવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મોત થઈ જાય.

આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળીએ કે વાંચીએ છીએ કે કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્‌યું, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા બેભાન થઈ ગયું કે ગરબા રમતા કે પરીક્ષા આપતા સમયે મોત થઈ ગયું. પણ આવા કિસ્સાઓમાં કારણો તપાસવામાં આવે ત્યારે માલૂમ પડે છે કે અચાનક આવેલા હાર્ટ એટેકથી આ મૃત્યુ થયું છે.

એવામાં વાવ થરાદ જિલ્લાના ભાભરમાંથી પણ આવા જ કિસ્સા સામે આવ્યા છે. ભાભરમાં ૨૪ કલાકની અંદર ૪ લોકોના હાર્ટ અટેકથી મોત નિપજ્યાં છે. જેમાં ૩ વેપારીઓ અને ૧ શ્રમજીવી સામેલ છે કે જેમને હાર્ટ અટેક આવતા તેમના મોત થયા છે. માહિતી પ્રમાણે, ૫૩ વર્ષીય વિનોદ ઠક્કર, નટુ ઠક્કર, દેવરામ માળી અને સુનિલ ચૌધરીનું હાર્ટ એટેકથી મોત થયું.

૨૪ કલાકમાં ૪ લોકોને હાર્ટ અટેક આવતા ભાભરમાં અરેરાટી મચી ગઈ છે. તમામને છાતીમાં દુખાવો ઉપડતા મોતનું કારણ હાર્ટ એટેક સામે આવ્યું છે, ત્યારે હૃદય રોગના કારણે લોકોના મોતનો આંક સતત વધી રહ્યો છે, જે યુવાન લોકોમાં પણ ચિંતાનું કારણ બની ગયો છે.

ડોક્ટરો જણાવે છે કે ઠંડા વાતાવરણમાં શરીરની નસો સંકુચાઈ જાય છે, જેના કારણે હૃદય પર વધારાનું દબાણ પડે છે. સવારમાં ઠંડા પાણીથી નાહવું, ઓછા કપડાં પહેરવા અને અચાનક ભારે કસરતો કરવી, હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.

તેથી શિયાળામાં યોગ અથવા કસરત કરતી વખતે ઓછામાં ઓછા બે સ્તરના ગરમ કપડાં પહેરવા, ધીમે ધીમે વોર્મઅપ કરવું અને શરીરના સંકેતોને અવગણવા નહીં તેવી સલાહ આપવામાં આવે છે. ૨૪ કલાકમાં ૪ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે, ત્યારે આ ઘટનાએ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે, પરંતુ કોઈપણ શારીરિક પ્રવૃત્તિ સમજદારી અને સાવચેતી સાથે કરવી એટલી જ આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.