Western Times News

Gujarati News

આપઘાત માટે પતિએ પત્નીને ઉશ્કેરીઃ સળગતી હાલતનો પતિએ વિડીયો બનાવ્યો

પતિની ઉશ્કેરણીથી પત્નીનું આત્મઘાતી પગલું- પતિની ધરપકડ કરાઈ

(એજન્સી)સુરત, સુરત શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઈચ્છાપોર વિસ્તારમાં એક પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવતા, સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

મૂળ બિહારની અને હાલ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન આશરે ત્રણ વર્ષ અગાઉ રંજિત દિલીપ સાથે થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ પ્રતિમાદેવી માટે તેનું સાસરું નર્ક સમાન બની ગયું હતું. પતિ રંજિત અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

ઘટનાના દિવસે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સતત મળતા ત્રાસથી કંટાળીને પ્રતિમાદેવીએ હતાશામાં કહ્યું કે, હું મરી જઈશ. પત્નીને શાંત પાડવાને બદલે પથ્થર દિલના પતિએ તેને ઉશ્કેરતા કહ્યું, ઘરમાં તેલ પડ્યું છે, તેનાથી સળગી જા. પતિની આ ભયાનક ઉશ્કેરણીના પગલે આવેશમાં આવીને પ્રતિમાદેવીએ ઘરમાં પડેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી દીધું અને દિવાસળી ચાંપી દીધી હતી.

આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ રહી કે જ્યારે પ્રતિમાદેવી આગની જ્વાળાઓમાં લપેટાયેલી હતી અને મદદ માટે ચીસો પાડી રહી હતી, ત્યારે પતિ રંજિતનું દિલ પીગળ્યું નહીં. તેને બચાવવા કે આગ ઓલવવાને બદલે, રંજિત મોબાઈલ ફોન કાઢીને તેની પત્નીનો સળગતી હાલતનો વીડિયો ઉતારવા લાગ્યો હતો.

આ ગંભીર ઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસ હરકતમાં આવી હતી. મૃતકના પરિવારજનોના આરોપ અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે પતિ રંજિત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને પુરાવા નષ્ટ કરવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.