માત્ર ૧૫ સેકન્ડમાં પતંગની દોરીથી બાળકનું મોત થયું
બે બાળકો બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી
(એજન્સી)સુરત, સુરત શહેરમાં વધુ એક પતંગની કાતિલ દોરીએ ૮ વર્ષના બાળકનો ભોગ લીધો છે. જહાંગીપુરા વિસ્તારમાં આનંદ વિલામાં સાયકલ સવાર બાળકના ગળામાં દોરી વાગતા મોત નિપજ્યું. બે બાળકો બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર સમગ્ર ઘટનાના હચમચાવતાં સીસીટીવી પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આનંદ વિલા સોસાયટીના કમ્પાઉન્ડમાં બે બાળકો સાયકલ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પતંગની કાતિલ દોરી સાયકલ સવાર બાળકના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે બાળકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જોતજોતામાં લોહીલુહાણ હાલતમાં બાળક ઢળી પડ્યો હતો.
આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હચમચાવી દેતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક આનંદથી સાયકલ ચલાવી રહ્યો હતો અને પળવારમાં કાળરૂપી દોરીએ તેને લપેટમાં લઈ લીધો. આ દ્રશ્યો જોઈને આસપાસના રહીશો અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવતી વખતે પતંગની દોરી ગળામાં ફસાતા બાળકનો જીવ લઈ ગઈ. ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ કે કાતિલ માંઝાથી બચવા અને બાળકોને સુરક્ષિત રાખવા માટે આ ઘટના લાલબત્તી સમાન છે. વાહન ચલાવતી વખતે કે ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
