Western Times News

Gujarati News

અમેરિકાએ ખરીદેલી મોંઘી ડિવાઈસથી અનેક અન્ડર કવર એજન્ટ બીમાર

વોશિંગ્ટન, બાઇડનના શાસનકાળ દરમ્યાન હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા આઠ આંકડાની રકમ ચૂકવી મેળવવામાં આવેલાં હવાના સિન્ડ્રોમ માટે જવાબદાર ભેદી મશીનના ભેદભરમ ખોલવામાં અમેરિકન અધિકારીઓને એક વર્ષ પછી પણ સફળતા મળી નથી. એક અંડરકવર ઓપરેશનમાં મેળવવામાં આવેલું આ ઉપકરણ હોમલેન્ડ સિક્યુરિટીના વિભાગ હોમલેન્ડ ઇન્વેસ્ટિગેશન-એચએસઆઇ- દ્વારા લાખો ડોલર્સ ચૂકવીને મેળવવામાં આવ્યું હતું.

સીએનએનના અહેવાલ અનુસાર અમેરિકન અધિકારીઓની ચિંતા એ છે કે જો આ ટેકનોલોજી સફળ પુરવાર થઇ હશે તો તેના વપરાશકારો એક કરતાં વધારે દેશો હશે. અમેરિકન રાજદ્વારીઓ, જાસૂસી અધિકારી અને મિલિટરી અધિકારીને લાગુ પડતી અજાણી બિમારીને હવાના સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર એચએસઆઇ દ્વારા હસ્તગત કરવામાં આવેલું ઉપકરણ પલ્સડ રેડિયો વેવ્ઝ પેદાં કરવાની ક્ષમતા ધરાવે છે. વર્ષાેથી એવી અટકળો થઇ રહી છે કે હવાના સિન્ડ્રોમ માટે પલ્સડ ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા રેડિયો ફ્રિકવન્સી એનર્જી જવાબદાર હોઇ શકે છે.

અમેરિકન જાસૂસી તંત્ર દ્વારા મેળવવામાં આવેલું ઉપકરણ સમગ્રપણે રશિયન બનાવટનું નથી પણ તેમાં રશિયના પાટ્‌ર્સ વાપરવામાં આવેલાં હોવાનું જણાયું છે. અમેરિકન અધિકારીઓ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિવિધ પ્રકારની ભેદી ઇજાઓ કરવા માટે સક્ષમ આ ઉપકરણનું કદ આટલું નાનું કેવી રીતે હોઇ શકે. પોર્ટેબલ એટલે કે એક નાનકડી બેકપેક બેગમાં સમાઇ શકે તેવું આ ઉપકરણ રહસ્યમય બની રહ્યું છે.

જ્યારે પણ વિદેશમાં કોઇ મહત્વની ટેકનોલોજી કે રહસ્યમય પાટ્‌ર્સ મળી આવે ત્યારે અમેરિકન મિલિટરી સાથે મળી કામ કરતી એચએસઆઇને આ ટેકનોલોજી સાથે સંકળાયેલાં ગુનાની તપાસ કરવાની સત્તા મળેલી છે.

આ નિયંત્રિત ટેકનોલોજી વિદેશમાં કેવી રીતે પ્રસરી તેની પણ તેઓ તપાસ કરે છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તપાસના તારણો એટલા મહત્વના છે કે તેના વિશે હાઉસ અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીઓને પણ આ ઉપકરણ તથા તેના પરીક્ષણની વિગતોની જાણ કરાઇ હતી. ૨૦૧૬ના અંતમાં ક્યુબાના હવાના શહેરમાં કામ કરતાં અમેરિકન રાજદ્વારીઓને અતિશય માથાનો દુઃખાવો થવો, ચક્કર આવવા અને વોમિટ થવી જેવી સમસ્યાઓ થવા માંડી હતી. બાદમાં અનેક દેશોમાં આ પ્રકારની બિમારીના વધારે કેસો બન્યા હતા.

આ બિમારી સૌ પ્રથમ હવાનામાં થઇ હોવાથી તેને હવાના સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.આ બિમારીનું રહસ્ય પામવા માટે જાસૂસી અને મેડિકલ સમુદાયમાં હોડ ચાલી છે પણ તેનું રહસ્ય વણઉકલ્યુ રહ્યું છે.

૨૦૨૨માં યુએસ ઇન્ટેલિજન્સ પેનલ દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું કે બાહ્ય સ્રોત દ્વારા પલ્સડ ઇલેકટ્રોનિક મેગ્નેટિક એનર્જી પેદાં કરી તેના દ્વારા બિમારી ફેલાવવામાં આવી હોઇ શકે છે. જો કે, ૨૦૨૩માં જાસૂસી સમુદાયે જાહેર તારણ કાઢ્યું હતું કે આ ઘટનાઓને વિદેશી દુશ્મન દ્વારા અંજામ આપવામાં આવ્યો હોય તે શક્યતા નથી. જો કે કોઇ બાહ્ય ઉર્જા દ્વારા આ બિમારી ફેલાવાઇ હોવાનું તેમણે સમગ્રપણે નકારી કાઢ્યું નહોતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.