‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત ફ્લાવર શોમાં ગુજરાતની કલા સહિત વિકાસના મોડેલને હિમાચલના મહેમાનોએ બિરદાવ્યું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી
ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી.
‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાનીએ રાજ્યપાલ શ્રી અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શોના આયોજન, તેની પૂર્વતૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા. ફ્લાવર શો બાદ પ્રતિનિધિ મંડળે આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અજિતેશ ઔરંગાબાદકર અને શ્રી જયેશ ઉપાધ્યાય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

