શિક્ષકોએ લાયકાત માટે ૬ મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે
અમદાવાદ, રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદએ આપેલી સૂચના અનુસાર શિક્ષકોની લાયકાત નિયત કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા બ્રિજકોર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધો-૧થી ૫માં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકોએ છ માસનો બ્રિજ કોર્સ કરવો પડશે.
ધો-૧થી ૫ના શિક્ષકો કે જેમની પાસે પીટીસીની ડિગ્રી નથી તેમને આ બ્રિજ કોર્સના આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે. હાલમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન મોડમાં કોર્સ શરૂ કરવામાં આવશે. રાજ્યની ખાનગી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા ન હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામે છે.
દર વર્ષે વિધાનસભા સત્ર વખતે પણ લાયકાત વગરના શિક્ષકોને લઈને સવાલો ઉભા કરવામાં આવતા હોય છે. હાલમાં રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં પીટીસીનો અભ્યાસ કરેલા શિક્ષકોને ધો-૬થી ૮માં તેમજ ગ્રેજ્યુએટ અને બીએડનો અભ્યાસ ધરાવતાં શિક્ષકો ધો-૧થી ૫માં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં એનસીટીઈએ પ્રાથમિક શાળાના શિક્ષક માટે લાયકાત નક્કી કરેલી છે.
જોકે, ખાનગી સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપતા હોવાને પગલે નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જેથી સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે એનસીટીઈ દ્વારા ૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ખાનગી પ્રાથમિક શાળામાં ધો-૧થી ૫માં નિમણૂક પામેલા શિક્ષકોની યોગ્ય લાયકાત નિયત કરવા માટે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગને ૬ મહિનાનો બ્રિજ કોર્સ તૈયાર કરવાની સૂચના આપી હતી. જે અન્વયે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગએ બ્રિજ કોર્સ માટેનું પોર્ટલ લોન્ચ કર્યું છે.
આ પ્રમાણપત્ર ઓપન અને ડિસ્ટન્સ લ‹નગ મોડ દ્વારા ઓફર કરાશે. આ બિજકોર્સ ફક્ત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે છે, જેમની ધો-૧થી ૫માં બીએડની ડિગ્રી સાથે ૨૮ જૂન, ૨૦૧૮થી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ વચ્ચે નિમણૂક થયેલી હોય અને હાલમાં પણ તેઓ ધો-૧થી ૫માં જ ફરજ બજાવતા હોય.
અત્રે નોંધનીય છે કે, ૨૦૧૮ પહેલા પણ લાયકાત વગરના શિક્ષકોનો મુદ્દો ખૂબ ચગ્યો હતો અને તે વખતે પણ આ જ પ્રકારનો કોર્સ ઓફર કરવામાં આવ્યો હતો. જે તે વખતે કોર્સ નહીં કરનારા શિક્ષકોને ઘર ભેગા કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. આમ, છતાં દેશના અનેક શિક્ષકો કે જેમની પાસે લાયકાત ન હતી તેમ છતાં તેમણે કોર્સ કર્યાે ન હતો.SS1MS
