Western Times News

Gujarati News

પ્રાંતિજના કતપુર ટોલનાકા પર આઈટીના દરોડા પડતાં કર્મચારીઓમાં ફફડાટ

પ્રાંતિજ, પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પર વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા ટોલટેકસ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે ટોલ મેનેજર રજા ઉપર હોવાથી કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવતી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારની વહેલી સવારે કતપુર ટોલ પર ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો આવી પહોંચ્યા હતા અને ઓફિસમાં જઇ તમામ કર્મચારીઓના મોબાઇલ સહિત અન્ય જરૂરી દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા. જોકે કતપુર ટોલટેકસના મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી રોહિતભાઇ શર્મા છેલ્લા ૬ દિવસથી સામાજિક કારણોસર રજા ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો પણ મીડિયા સમક્ષ એક શબ્દ પણ ઉચ્ચારવાનું નામ લેતા નથી. જોકે મોડી સાંજ સુધી ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ કોમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજોની ચકાસણી ચાલુ રાખી હતી અને ટોલટેકસ પર ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓની પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ટોલટેકસ ઉઘરાવતી કંપની દ્વારા રાજ્ય તેમજ દેશમાં અનેક ઠેકાણે ટોલટેકસનો કોન્ટ્રાક્ટ લેવાતો હોવાની જાણકારી બાદ ઇન્કમટેકસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનું નકારી શકાય તેમ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.