દુષ્કર્મ આચરનારા ૪૨ વર્ષના આરોપીને ૩૦ વર્ષની સજાનો આદેશ
મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા ૪૨ વર્ષના રાજસ્થાનના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ૩૦ વર્ષની સખત કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડતો ચૂકાદો આપ્યો છે.મહેસાણા તાલુકાની એક ૧૪ વર્ષ ૧૧ માસની સગીરાની માતા ગત તા.૯-૨-૨૫ના રોજ બજારમાં ગયેલી હતી ત્યારે સગીરા તેના પિતાને હું માતા પાસે જઉંછું તેમ કહીંને ઘરેથી નીકળી હતી. જો કે, સગીરા તેની માતા પાસે ગઈ નહોતી અને તપાસ કરવા છતાં સગીરાની કોઈ ભાળ મળી નહોતી.
તપાસ દરમિયાન રાજસ્થાનના બ્યાવર જિલ્લાના જૈતારણ તાલુકાનો વતની અને આંબલિયાસણ ખાતે પિન્કસિટી બંગ્લોઝમાં રહેતો ગોસ્વામી સત્યનારાયણ ખીયાવત (ઉં.વ.૪૨) સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે નાસતા ફરતા સત્યનારાયણને બે મહિના બાદ ઝડપી લીધો હતો અને ભોગ બનનારની પૂછપરછ કરતાં આરોપી તેણીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને રાજસ્થાન, ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યાએ લઈ ગયો હતો અને તેણી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે લાંઘણજ પોલીસ મથકે આરોપી સત્યનારાયણ ગોસ્વામી સામે પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં સરકારી વકીલ એન.એસ. શાહે કોર્ટ સમક્ષ ૧૦ સાક્ષી તપાસ્યા હતા અને ૧૯ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
જેમાં મેડિકલ સર્ટિફિકેટ અને એફએસએલ રિપોર્ટ રજૂ કરાયો હતો. જેની સાથે ફરિયાદી તરફે વકીલ વિજયભાઈ દવેએ લેખિત દલીલો રજૂ કરી હતી. ઉપરાંત સજાની સુનાવણી વખતે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ હાજર રહી દલીલો કરી હતી કે, આરોપી ૪૨ વર્ષનો છે અને ભોગ બનનાર સગીર હોવાનું જાણતો હોવા છતાં તેની નિર્દાેષતાનો લાભ લઈ અલગ અલગ સ્થળે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું છે.
આરોપી ભોગ બનનાર કરતાં મોટી બે પુત્રીઓનો બાપ હોવા છતાં સમાજને લાંછનરૂપ ગંભીર ગુનો કરેલો હોઈ વધુમાં વધુ સજા કરવાની દલીલો કરી હતી. જે ગ્રાહ્ય રાખી મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજ એસ.એસ.કાળેએ આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખીયાવતને વિવિધ કલમો હેઠળ ૩૦ વર્ષની સખત કેદ અને કુલ રૂ.૧૫ હજાર દંડ ફટકાર્યાે હતો. ઉપરાંત ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર અપાવતો આદેશ કર્યાે હતો.SS1MS
