અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર ૬૦૦ કિલોના દિવ્ય ત્રિશૂલના દર્શનનો અમદાવાદમાં પ્રારંભ
અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર ૬૦૦ કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે
ઉત્તરકાશીમાં સ્થિત ૧૫૦૦ વર્ષ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પર પ્રસ્થાપિત થતા શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર ઉમેરાશે :- શ્રી મિહિર પટેલ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી તૈયાર થયું અખંડ શક્તિ ત્રિશૂલ
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તરકાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ ૧૬ ફૂટ ઊંચું અને આશરે ૬૦૦ કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને ત્યાં અકસ્માતો જેવી અડચણો પણ આવતી હોય છે.
આ સ્થળની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત ૧૫૦૦ વર્ષથી વધુ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ હેતુથી ગ્રુપની ટીમ દ્વારા ઉત્તરકાશીના મહંતશ્રીની રૂબરૂ મુલાકાત લઈ પરવાનગી મેળવવામાં આવી છે. આધ્યાત્મિક મર્યાદાના ભાગરૂપે ઉત્તરકાશીના ૧૮ ફૂટના ત્રિશૂલની સામે અંબાજીમાં ૧૬ ફૂટનું ત્રિશૂલ સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે.
કલેક્ટર શ્રી મિહિર પટેલે જય ભોલે ગ્રુપની નિસ્વાર્થ કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે, આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલું છે. અંબાજી મંદિરમાં વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રસ્થાપિત વિશ્વના સૌથી મોટા ‘શ્રી યંત્ર’નું નિર્માણ પણ જય ભોલે ગ્રુપ દ્વારા જ કરવામાં આવ્યું હતું. માતાજીના શૃંગારથી લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં ગ્રુપનો સહયોગ અનન્ય રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલે આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે જ્યારે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં વ્યસ્તતા વધી છે, ત્યારે અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ નવીન પ્રકલ્પ મહત્વનું સાબિત થશે. અંબાજી મંદિર અને ગુજરાત સરકારના પ્રયાસોથી જે રીતે ત્રિશૂલિયા ઘાટ પર આ નવું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, તેનાથી લોકોમાં ધાર્મિક જાગૃતિ આવશે. જે સ્થળ અગાઉ અકસ્માત ઝોન તરીકે જાણીતું હતું, ત્યાં હવે આ દિવ્ય ત્રિશૂલની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે.
જય ભોલે ગ્રુપના શ્રી દીપેશભાઈ પટેલે ત્રિશૂળના પૌરાણિક મહત્વ અને સ્થાપનાના ઉદ્દેશ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા ૧૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂલની પ્રથમ રેપ્લિકા છે. પુરાણો મુજબ, ભગવાન શિવ દ્વારા અર્પિત આ જ શક્તિશૂળથી દેવીએ મૈસુર (મહિષાસુરની ભૂમિ) ખાતે મહિષાસુરનો વધ કર્યો હતો અને ત્યારબાદ તેને ઉત્તરકાશીમાં સ્થાપિત કર્યું હતું. આ જ પૌરાણિક પરંપરાને જીવંત કરવા અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીના ‘ત્રિશૂલિયા ઘાટ’ને દિવ્યતા પ્રદાન કરવાના ઉદ્દેશથી ૧૬ ફૂટ ઊંચા આ ત્રિશૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવ્ય ત્રિશૂલના દર્શન ભક્તજનો માટે અમદાવાદના વટવા સ્થિત ‘અમદાવાદ એન્જિનિયર્સ’ ખાતે ૧૮ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આ દિવ્ય ત્રિશૂલ અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી સંપન્ન થઈ રહ્યું છે.
આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિર, મહિષાસુર મર્દીની દ્વારા મહિષાસુર વધ, મૈસૂર, અંબાજી શક્તિપીઠ તથા ત્રિશૂલિયા ઘાટ સાથે સંકળાયેલી પૌરાણિક બાબતો અને આસ્થા તથા શક્તિના પ્રતીકોનો ઈતિહાસ દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શન પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, જય ભોલે ગ્રુપના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, માઈભક્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
