Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

 ઉત્તર-પૂર્વ ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરતી આમંત્રણ કિટ

 અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરાઈ

 ૩૫૦ જેટલા કારીગરો દ્વારા ૯૫૦ જેટલી કિટ તૈયાર કરીને રાષ્ટ્રપતિ ભવન મોકલાઈ

અમદાવાદ,  દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ સમારોહની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ કિટ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.

આ અંગે વિગતો આપતાં NID, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં એક વર્ષમાં સતત ત્રીજી વખત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NIDને સોંપવામાં આવી છે, જે સમગ્ર સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત છે. તેમણે કહ્યું કે આ વિશેષ પ્રોજેક્ટમાં ભારતના ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા – એમ કુલ આઠ રાજ્યોની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી છે.

આ માટે NIDની ટીમ દ્વારા ત્રણેક મહિનાની મહેનત અને સમગ્ર ઉત્તર-પૂર્વીય પ્રદેશના કારીગર સમુદાયો સાથે સંવાદ-સંશોધન અને રાષ્ટ્રપતિ ભવનની ટીમના પરામર્શ તથા સહયોગથી આ હસ્તનિર્મિત કળાકૃતિઓવાળી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.

જેના માટે ઋતુઆધારિત કાચા માલની ઉપલબ્ધિ અને અલગ અલગ રાજ્યોના કારીગરોને સાંકળતી હસ્તકળા પરંપરાને ધ્યાનમાં રાખીને દરેક કળાકૃતિને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. દરેક આર્ટિફેક્ટ સંબંધિત રાજ્યની વિશિષ્ટ સંસ્કૃતિ, કારીગરોની હુનરમંદી, તેમને જાળવતું કુદરતી પર્યાવરણ તથા આધુનિક સાંસ્કૃતિક સંદર્ભોને પ્રતિબિંબિત કરે છે.

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત આશરે ૩૫૦થી વધુ કારીગરો દ્વારા આ સમગ્ર કિટ તૈયાર કરવામાં આવી છે. એનઆઈડી અમદાવાદનાં પ્રા. એન્ડ્રિયા નોરોન્હા અને પ્રા. ડૉ. સી.એસ. સુસાંથની ટીમ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં એનઆઈડીના ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ, ટેકનિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે.

આમંત્રણ કિટ અમદાવાદ અને બેંગલુરુ સ્થિત એનઆઈડી ટીમો તથા તેમના પોતાના ગામોમાંથી કાર્યરત કુશળ કારીગરો વચ્ચેના સંકલન દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરેક કિટ સામૂહિક પ્રયત્નો, કળાત્મકતા અને સમુદાયની ભૂમિકાને રજૂ કરે છે.

ઉત્તર-પૂર્વીય ભારતની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના આધાર સમાન વાંસનો ઉપયોગ કરીને ત્રિપુરાની પરંપરાગત તકનીક મુજબ લૂમ પર વણાયેલી વાંસની ચટાઈથી આમંત્રણ બોક્સ તૈયાર કરાયું છે. જેમાં રંગાયેલા કપાસના દોરા અને વાંસની પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરાયો છે. જ્યારે બહારનું કવર મેઘાલયમાં બનાવેલા સ્મોક કરેલા વાંસના અલંકાર સાથે જોડાયેલા હાથથી બનાવેલા કાગળથી સજ્જ છે. કવર અને બોક્સના નકશાઓ આસામી હસ્તપ્રત ચિત્રકલા તથા ઉત્તર-પૂર્વીય પ્રદેશની વનસ્પતિ અને પ્રાણી સંસ્કૃતિથી પ્રેરિત છે.

આમંત્રણમાં વપરાયેલા વાંસ, હેન્ડલૂમ કાપડ, નેટલ, કેન, માટી અને અન્ય કુદરતી સામગ્રી ઉત્તર-પૂર્વીય પ્રદેશના દૈનિક જીવન, આજીવિકા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ઊંડે જોડાયેલી છે. ખાસ કરીને, અનેક મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન એવા હાથવણાટને આમંત્રણ કિટના વિવિધ ઘટકોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ આમંત્રણ ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોના કુશળ કારીગરો અને હસ્તશિલ્પીઓને સન્માન સમાન છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશની પ્રાચીન જ્ઞાનપરંપરા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને જિવંત રાખે છે.

શું-શું છે આમંત્રણ કિટમાં અને શું છે વિશેષતાઓ?

અષ્ટકોણીય વાંસ વણાટ પેટર્નથી બનેલી આ કિટમાં વૉલ હેંગિંગ સ્ક્રોલ હશે. જે ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યોની પસંદગીદાર હસ્તનિર્મિત કૃતિઓનું કલાત્મક પ્રદર્શન કરે છે. જેમાં સિક્કિમનું સિસ્નુ કાપડવણાટ અને ભરતકામ છે. સિક્કિમની લેપચા વણાટ પરંપરા-‘થારા’માં નિર્મિત આ કૃતિ યુનેસ્કોની ‘મિક્સ્ડ હેરિટેજ સાઇટ’ કાંચનજંગા પર્વત સાથેના આદિકાળના સંબંધને પ્રતિબિંબિત કરે છે.

આ સિવાય, પૂર્વ ખાસી હિલ્સ મોસિનરામ જેવા મેઘાલયના સર્વાધિક વરસાદ ધરાવતાં વિસ્ચારનું ગ્રીન બામ્બૂ વણાટ, આસામનું ગોગોના – વાંસ જૉ હાર્પ, ત્રિપુરાના કેન અને વાંસની પટ્ટીઓમાંથી બનાવાયેલાં સુશોભનો, નાગાલૅન્ડનું દુર્લભ કાપડ તેમજ મિઝોરમનું હાથવણાટ કાપડ પુઆન ચેઇ તથા મણિપુરના તાંગખુલ નાગા સમુદાયની નીઓલિથિક કાળથી ચાલતી માટીકામ પરંપરા લોંગપી બ્લેક પોટરીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.