Western Times News

Gujarati News

મમતા બેનરજીના સિંગુર આંદોલનના કારણે જ બંગાળમાં ઉદ્યોગો આવ્યા નથી: PM મોદી

File

બંગાળના સિંગુરથી PM મોદીનો હુંકાર-હવે ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય આવ્યો

મોદીએ રૂ. ૮૩૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણીઓ છે, ત્યારે વડાપ્રધાન મોદીએ જાણે આ જનસભા કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંક્્યું છે. અહીંના હુગલી જિલ્લાના સિંગુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે બિહારના ઉદાહરણ સાથે બંગાળની સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે, ‘જે રીતે ભાજપ-એનડીએએ બિહારમાં જંગલરાજને ફરીથી આવતા રોક્્યું છે, તેવી જ રીતે હવે બંગાળની જનતા પણ ૧૫ વર્ષના મહા-જંગલરાજને વિદાય આપવા તૈયાર છે.’

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રૂ. ૮૩૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બંગાળમાં જેટલું કામ થયું છે, તેટલું કદાચ છેલ્લા ૧૦૦ વર્ષમાં નથી થયું. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને અડધો ડઝનથી વધુ અમૃત ભારત ટ્રેનો બંગાળને મળી છે. નવી ટ્રેનોમાંની એક ટ્રેન કાશી (વારાણસી) અને બંગાળ વચ્ચેના સાંસ્કૃતિક અને વેપારિક સંબંધોને વધુ મજબૂત કરશે.

દિલ્હી અને તમિલનાડુ માટે પણ નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. સિંગુરના ટાટા નેનો વિરુદ્ધના આંદોલનનું નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમયે સિંગુર ઔદ્યોગિક સંઘર્ષનું કેન્દ્ર હતું, ત્યાં હવે ‘વિકસિત ભારત’નો પાયો નખાઈ રહ્યો છે. જેમ કે, બાલાગઢમાં બનનારી એક્સટેન્ડેડ પોર્ટ ગેટ સિસ્ટમ કોલકાતા પોર્ટ પરનો બોજ ઘટાડશે અને પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો કરશે. પર્યાવરણની જાળવણી માટે હાઈબ્રિડ ઈલેક્ટિÙક બોટ દ્વારા માલની હેરફેર (કાર્ગો મુવમેન્ટ) વધારવાનો પણ કેન્દ્ર સરકારનો સંકલ્પ છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાવુક અંદાજમાં કહ્યું કે બંગાળમાં જ વંદે માતરમને પૂર્ણ સ્વરૂપ મળ્યું હતું. તો તૃણમૂલ કોંગ્રેસ સરકારને ટોણો મારતા કહ્યું કે, ભાજપ સરકાર વિકાસની સાથે દુર્ગા પૂજા જેવા વારસાને પણ મહત્ત્વ આપે છે, જેને હેરિટેજ દરજ્જો મળ્યો છે. પૂર્વ ભારતનો વિકાસ એ જ વિકસિત ભારતનો મુખ્ય આધાર છે. આ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

સિંગુરમાં ઉમટેલી મેદનીને જોઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ઉત્સાહ પશ્ચિમ બંગાળની નવી વાર્તા લખી રહ્યો છે. બંગાળના લોકો હવે માત્ર પરિવર્તન નહીં પણ ‘અસલી પરિવર્તન’ ઈચ્છે છે. જે રીતે બિહારને જંગલરાજથી મુક્ત કર્યું છે, તેમ ભાજપ બંગાળમાંથી ‘મહા-જંગલરાજ’ને વિદાય આપવા સજ્જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ જાન્યુઆરીના રોજ સિંગુરમાં રૂ.૮૩૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ કર્યું છે. જો કે, આ સભાનો મુખ્ય હેતુ મમતા બેનરજી સરકારને ઘેરવાનો જ છે, એ સ્પષ્ટ છે. ભાજપ સાબિત કરવા માંગે છે કે મમતા બેનરજીના સિંગુર આંદોલનના કારણે જ બંગાળમાં ઉદ્યોગો આવ્યા નથી.

આ દરમિયાન વડાપ્રધાન મોદી સિંગુરની ધરતી પરથી ગુજરાતના સાણંદના વિકાસનું ઉદાહરણ આપીને બંગાળમાં પરિવર્તનનો નારો આપવા માંગે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જે ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવે છે, તેમને પોતાની તરફ ખેંચવાનો ભાજપનો આ રાજકીય દાવ છે.

ભાજપ બંગાળના ખેડૂતો અને મજૂર વર્ગમાં એવું ઠસાવવા માંગે છે કે, સિંગુર આજે પણ એક અધૂરા સપનાનું પ્રતીક છે. હવે પીએમ મોદીની આ મુલાકાતથી શું સિંગુરને નવી ઓળખ મળશે કે પછી તે માત્ર ચૂંટણીલક્ષી મુદ્દો બનીને રહી જશે, એ તો ભવિષ્ય જ કહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.