CTM ચાર રસ્તા પાસે પડ્યો વિશાળ ભુવો
(તસવીર ઃ જયેશ મોદી) ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો હવે માત્ર ચોમાસા પૂરતો સીમિત રહ્યો નથી. ભરશિયાળે શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર ૮ પર સીટીએમ ચાર રસ્તા નજીક એક વિશાળ ભુવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ જ નેશનલ હાઈવે પર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. વિકાસના કામો વચ્ચે અચાનક જમીન બેસી જતાં અને વિશાળ ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થો લાગ્યા છે. ભુવો એટલો ભયાનક હતો કે રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી આડશો પણ જમીન સાથે નીચે ધસી ગઈ હતી.
અમદાવાદમાં દરેક સીઝનમાં ભુવા પડવાની ઘટનાઓ યથાવત્ રહી છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી-મોન્સૂન કે ચાલુ કામગીરીની પોલ ખોલે છે. સતત વાહનોથી ધમધમતા ઝ્ર્સ્ જેવા વિસ્તારમાં આટલો મોટો ભુવો પડવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
જોકે, આ ઘટના બાદ સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વપરાવા છતાં જો આવું નબળું કામ થતું હોય, તો તેની જવાબદારી કોની? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
