સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં જ ગુજરાતના લોકકલાકારો અપમાનિત થયા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ રંગમંચલયક્ષી કલાઓના કાર્યક્રમોનો આખો સ્કેલ બદલી નાખ્યો હતો અને કલાકારોને ભવ્ય પુરસ્કાર અને ભરપૂર સુવિધા આપવાની શરૂઆત કરાવી હતી.
સમૃદ્ધ સાંસ્કૃતિક આયોજનના પાયોનીયર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકકલાકારોને સોમનાથમાં કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને આ કલાકારો જાણે સરકારી અધિકારીઓ તથા ઇવેન્ટ મેનેજરોના ગુલામ કે દાડિયા હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો
તથા અને તે સર્વે ભવ્ય પરંપરાગત કલાકારોને ભોજન માટે, યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ખોલવામાં આવેલા ભંડારાઓમાં, હજારોની ભીડ વચ્ચે,એકાદ કિલોમીટર જેટલી દૂર સુધી પહોંચતી લાઈનમાં ઉભા રાખીને જમાડવા માટે રાહ જોવડાવાઈ હતી અને વેઠિયા કે મજુરોને પણ શરમ આવે એવાં નહાવાના પાણીની પણ સગવડ ન હોય તેવા વંડામા પુરી દેવાયા હતા

અને કડકડતી ઠંડીમાં સવારના પાંચ વાગ્યામાં ચા-નાસ્તો પણ આપ્યા વગર પરફોર્મન્સ માટે સ્ટેજ પર ખડકી દેવામાં આવ્યા હતા.આ અમાનવીય વર્તનથી ગુજરાતના લોકકલાકારો ખૂબ દુભાઈને ભગ્ન હ્ર્દયે પોતાના વતન પરત ફર્યા હતા.
PM નરેન્દ્ર મોદી કરે એમ કરવાનો પ્રયત્ન કરતા ગુજરાતના નેતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતનાં ભા.જ.પ.ના (BJP) નેતાઓ પર એટલી ગાઢ અસર છે કે નરેન્દ્ર મોદી જે પ્રક્રિયા સહજ રીતે કરે છે તે બાકીના નેતાઓ પ્રયત્નપૂર્વક કરે છે.નરેન્દ્ર મોદી ગત અઠવાડિયે સોમનાથ સ્વાભિમાન યાત્રા માટે ગુજરાત આવ્યા ત્યારે તેમણે જે કર્યું તેમનું અનુકરણ કોણે કેવું કર્યું એ જાણવા જેવું છે.
(૧)ઃ-મોદીએ ડમરૂ વગાડ્યું તો મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પણ ડમરૂ વગાડ્યું
(૨)ઃ-મોદીએ ઢોલ વગાડ્યો તો ધારાસભ્ય ભગવાન બારડે પણ ઢોલ વગાડ્યો
(૩)ઃ-ઉદય કાનગડે કરતાલ વગાડી
(૪)ઃ-મોદીના આગમનને વધાવવા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટા પટેલે ગરબા લીધા(ગાયા)
(૫)ઃ-મહાદેવ ભજન ગાતા
(૬)ઃ-મંત્રી જિતુ વાઘાણી ઉદ્દઘોષકની ભૂમિકામાં દેખાયા અને એક રસપ્રદ દ્રશ્ય એ દેખાયું કે
(૭)ઃ- સોમનાથમાં મંદિરમાં નરેન્દ્ર મોદીની કોન્વોય કારની સાથે પગપાળા ચાલતા જવાનો ઉઘાડા પગે ચાલતા અને દોડતા દેખાયા!
નરેન્દ્ર મોદીનો જાદુઈ કરિશ્મા કેવો છવાયેલો છે તેની આ બધાં દ્રશ્યો સાક્ષી પુરે છે હોં!
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું બીજું સ્વરૂપઃ શનિવારે અચૂક હનુમાન ભક્તિ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ચાણક્યનું બીરુદ આપવામાં આવ્યું છે એટલે જનસામાન્યની કલ્પના તો એવી જ હોય કે તેઓ આખો દિવસ રાજકીય દાવપેચમાં જ રચ્યાપચ્યા રહેતા હશે.આ કાલ્પનિક ચિત્ર સામે વાસ્તવિક ચિત્ર એવું છે કે અમિત શાહ એક શ્રદ્ધાળુ ભક્ત છે.
અમિત શાહ હનુમાનજીમાં અપરિમિત શ્રદ્ધા ધરાવે છે અને દર શનિવારે દિલ્હીના ચાણક્ય પૂરીમાં આવેલા હનુમાનજી અને શનિદેવના મંદિરે દર્શન કરવા અચૂક જાય છે. ત્યાં જઈને શાહ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે,તેલનો દીવો પ્રગટાવે છે તથા શનિદેવની પૂજા કરે છે.
દિલ્હીની બહાર હોય તો પણ તેઓ આ ક્રમ ચૂકતા નથી.તેનો પુરાવો એ છે કે એક માસ પહેલા તા.૧૩ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ અમિત શાહ છત્તીસગઢના પાટનગર રાયપુરના પ્રવાસે હતા ત્યારે તેમણે નવા રાયપુરમાં મંત્રાલયની સામે આવેલા હનુમાનજી અને શનિદેવના મંદિરમાં પોતાના નિયમ અનુસાર પૂજા-અર્ચના કરી હતી.
આ અંગે અમિત શાહને પૂછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે ‘મનુષ્યએ પોતાના ભાગે આવેલા કર્તવ્ય સાથે ઈશ્વરમાની આસ્થા પણ જાળવી રાખવી જોઈએ.’ જાહેરમાં ગંભીર વદને નજરે પડતાં અમિત શાહનો આ (ભક્ત તરીકેનો) એક બીજો ચહેરો પણ છે.
ચોટીલાના નાયબ કલેકટર હસમુખ ટી.મકવાણની નેત્રદીપક કામગીરી
ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ તાજેતરમાં ચોટીલા ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શને જવાનાં માર્ગ પર કરવામાં આવેલા ગેરકાનૂની દબાણો હટાવીને જબરી પ્રસિદ્ધિ મેળવી છે.પણ નોંધપાત્ર વાત એ છે કે મકવાણાનું આ પહેલું પરાક્રમ નથી!
મકવાણા રેવન્યુ કેડરમાં આવ્યા ત્યારથી નખશીખ પ્રામાણીકતાથી કામ કરતા રહ્યા છે.મકવાણા જે જગ્યાએ જાય છે(કે મુકાય છે) ત્યાં ચાલતા ભ્રષ્ટાચારમાં પલીતો ચાંપે છે.મકવાણા માત્ર એરકન્ડીશન ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા અધિકારી નથી.
તેઓ કાગળોનો અભ્યાસ કરી લીધાં પછી બાઅદબ ફીલ્ડમા જાય છે અને વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી મેળવે છે અને પછી ભ્રષ્ટાચાર સામે આકરા પગલાં લે છે.
રેવન્યુ ખાતામાં પ્રમાણીક અધિકારીઓ અગાઉ પણ આવ્યા છે પણ તેમાંના મોટાભાગના પોતાની જાત અને વ્યવહારને પ્રમાણીક રાખીને સંતોષ માની લેનારાં રહ્યા છે પણ એ પ્રમાણીકતાનો તંત્રને તથા પ્રજાને લાભ મળે એવી કાર્યવાહી તો હસમુખ મકવાણા જ કરે છે.મકવાણા સાથે કામ કરનાર કર્મચારીઓ કહે છે કે મકવાણા માત્ર પ્રમાણીક જ નહીં પણ સફળ વહીવટકર્તા પણ છે.
સ્વર્ણિમ સંકુલમાં પાણીની કાચની બોટલો ગુમ અને પ્લાસ્ટિક બોટલો હાજર થઈ ગઈ
ગુજરાત સરકાર ઘણી વખત કેટલીક જાહેરાત ઉત્સાહમા એવી કરી નાંખે કે જે ‘આરંભે શૂરા’ જેવી સાબિત થાય.તેનુ તાજું ઉદાહરણ એ છે કે સરકારે પર્યાવરણના બચાવ માટે સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨માં પાણીની પ્લાસ્ટિકની બોટલ્સનો વપરાશ બંધ કરીને તેની જગ્યાએ કાચની બોટલનો ઉપયોગ કરવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી.શરૂઆતમા કાચની બોટલમાં પાણી અપાતું પણ થયુ.પણ એ બધું શરૂઆતના ઉત્સાહ જેવું ઠર્યુ.
હવે ફરીથી મુખ્યમંત્રી અને મંત્રીઓની કચેરીમાંથી કાચની બોટલ ગાયબ થવા લાગી છે અને તેની જગ્યાએ પુનઃ પ્લાસ્ટિકની બોટલ ગોઠવાઈ ગઈ છે.આ અંગે એવું કહેવાય છે કે કરોડો રૂપિયાનો ધંધો કરતી પ્લાસ્ટિકની બોટલોમા પાણી ભરીને વેચતી કંપનીઓએ યોગ્ય દબાણ અને વ્યવસ્થા ગોઠવીને પોતાનું ધાર્યું કરાવી લીધું છે.
થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી કાર્યાલયમાં એક એજન્ટ દ્વારા પોતાની કંપનીની બોટલ મંગાવવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતુ. ટૂંકમાં, પર્યાવરણની રક્ષા માટેના યુદ્ધમાં તેના બચાવકારોનો નહીં પણ પ્લાસ્ટિકની બોટલોના વેપારીઓનો વિજય થયો છે.આ તો પેલી જુની કહેવત જેવું થયું – ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી’.
