Western Times News

Gujarati News

સરદારનગરમાંથી ૧૦ લાખના ૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

અમદાવાદ, શહેરમાં નશીલા પદાર્થાે સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે એસઓજીની ટીમે સરદારનગર પોલીસ સ્ટેશન નજીકના છારાનગરમાંથી એક મહિલાને ૧૦.૦૫ લાખની કિંમતના ૨૦.૧૦૦ કિલો ગાંજા સાથે ઝડપી પાડી છે.

પોલીસે આ કેસમાં મહિલાની ધરપકડ કરી છે તેમજ તેના ફરાર ભાઈ અને પુત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતાનો ભાઇ ગાંજા સાથે કાલુપુર રેલવે સ્ટેશને ઝડપાઇ જતાં મહિલાએ ગાંજાનો જથ્થો તેના ઘરેથી લાવીને પોતાના ઘરમાં છૂપાવી દીધો હતો.

એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મસાણી મેલડી માતાના મંદિર પાસે રાજધાની ગલીમાં ગીતાબેન મીણેકર નામની મહિલાએ તેના ઘરમાં ગાંજાનો જથ્થો છૂપાવી રાખ્યો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન મહિલાના ઘરમાંથી ટેપ વિંટાળેલા બે પાર્સલ મળી આવ્યા હતા. એફએસએલની ટીમની હાજરીમાં તપાસ કરતા બંને પાર્સલમાં ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ૨૦.૧૦૦ કિલો ગાંજો, જેની કિંમત ૧૦.૦૫ લાખ થાય છે, તે કબ્જે કરી મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી ગીતાબેન પોતાના ભાઈ ગણેશ ઈન્દ્રેકર સાથે મળીને ગાંજો વેચવાનો ધંધો કરતી હતી. થોડા દિવસ પહેલાં ગણેશને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પોલીસે પકડી લીધો હતો. ભાઈની ધરપકડ થયા બાદ મહિલાએ પોતાની પુત્રી મેઘાને ગણેશના ઘરેથી ગાંજાનો જથ્થો લઇ આવવા મોકલી દીધી હતી અને તે જથ્થો પોતાના ઘરમાં છૂપાવી રાખ્યો હતો.

આ મામલે એસઓજી પોલીસે ગીતાબેનની ધરપકડ કરીને ફરાર મેઘા અને ગણેશ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નશાના કારોબાર સાથે જોડાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.