‘આજકાલના એક્ટર્સ બગડી ગયા છે’: ફરીદા જલાલ
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ફરીદા જલાલ હાલમાં શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને ચર્ચામાં છે, તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામકાજના કલાકો અને સુવિધાઓ અંગે મોટું નિવેદન આપ્યું છે.
૮ કલાકની વર્ક શિફ્ટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ફરીદાજીએ જૂના દિવસોની મુશ્કેલીઓ યાદ કરી આજના કલાકારોને ‘બગડી ગયેલા’ ગણાવ્યા છે.એક ઇન્ટરવ્યુમાં દાયકાઓ લાંબી પોતાની સફરને યાદ કરતા ફરીદા જલાલે જણાવ્યું હતું કે, ‘અમે કલાકો સુધી સતત કામ કરતા હતા અને તે સમયે કામના કલાકો ગણવા એ કોઈ મોટી વાત નહોતી. કામ પ્રત્યેનો સમર્પણ ભાવ સર્વાેપરી હતો.’આઉટડોર શૂટિંગના દિવસો યાદ કરતા તેમણે કહ્યું કે, ‘તે સમયે કોઈ વેનિટી વાન નહોતી.
ખાસ કરીને મહિલા કલાકારો માટે તે પરિસ્થિતિમાં કામ કરવું અત્યંત પડકારજનક હતું. તેમણે પોતાની માતા સાથે રહીને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યાે હતો.’જૂના અને નવા સમયની સરખામણી કરતા ફરીદા જલાલે કટાક્ષમાં કહ્યું કે, ‘હવેના અભિનેતાઓ બગડી ગયા છે કારણ કે હવે બધું જ ખૂબ સરળ બની ગયું છે.
આજના કલાકારો સેટ પર સંપૂર્ણ તૈયારી સાથે આવે છે અને તેમને ઘણી સુવિધાઓ મળે છે. પહેલાના સમયમાં અભિનય ક્ષેત્રે આવતા પહેલા દસ વાર વિચારવું પડતું હતું કારણ કે તે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કપરું કામ હતું.’આજના સમયમાં ‘વર્ક-લાઈફ બેલેન્સ’ અને ફિક્સ ૮ કલાકની શિફ્ટની માંગ વધી રહી છે, ત્યારે ફરીદા જલાલનું માનવું છે કે, ‘કલા પ્રત્યેના પ્રેમે તેમને ક્યારેય થાકવા દીધા નથી.
તેમણે જણાવ્યું કે, “મને આ કામ ગમતું હતું એટલે જ હું આજે આ મુકામ પર છું.’ઉલ્લેખનીય છે કે, ફરીદા જલાલે ઘણી પેઢીઓના કલાકારો સાથે કામ કર્યું છે અને બદલાતી જતી કાર્ય સંસ્કૃતિને ખૂબ નજીકથી નિહાળી છે. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.SS1MS
