Western Times News

Gujarati News

નગરી આંખની હોસ્પિટલમાં 3 વર્ષમાં 5 લાખથી વધુ દર્દીઓની આંખોમાં ઉજાસ

500થી વધુ ચક્ષુદાન અને હજારો સર્જરી- 2023થી 2025 સુધી આંખની સારવાર અને સેવાના નવા રેકોર્ડ : 3900થી વધુ કેટરેક્ટ સર્જરી

અમદાવાદ  (પ્રતિનિધિ) અમદાવાદ શહેરમાં આંખની સારવાર અને ચક્ષુદાનના ક્ષેત્રે સેવા, સંવેદના અને વિશ્વાસનું પ્રતિબિંબ બની રહેલી  શ્રી સી.એચ. નગરી મ્યુનિસિપલ આંખની હોસ્પિટલ આજે માત્ર એક આરોગ્ય સંસ્થા નહીં પરંતુ માનવતાભર્યા સેવાકાર્યનું જીવંત પ્રતિક બની ગઈ છે.

નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત આંખની સારવાર, સફળ સર્જરીઓ અને નિઃસ્વાર્થ ચક્ષુદાનના માધ્યમથી હોસ્પિટલએ હજારો દર્દીઓના જીવનમાં ફરીથી જોવાની ખુશી અને આશાની નવી સવાર લાવી છે. ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આશાનો દીવો બની રહેલી નગરી આંખ હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર નહીં પરંતુ સમાજમાં દ્રષ્ટિ બચાવવાની અને દ્રષ્ટિદાનની સંવેદનશીલ સંસ્કૃતિ વિકસાવતું પ્રેરણાદાયી સેવા કેન્દ્ર બની છે.

જાન્યુઆરીથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન વર્ષ 2023માં હોસ્પિટલની OPDમાં કુલ 1,59,857 દર્દીઓએ આંખોની સારવાર લીધી હતી.વર્ષ 2024માં આ સંખ્યા વધીને 1,61,538 થઈ હતી, જ્યારે વર્ષ 2025માં નોંધપાત્ર વધારા સાથે કુલ 1,76,699 દર્દીઓએ સારવાર મેળવી હતી.આ વધતી સંખ્યા સ્પષ્ટ કરે છે કે નગરી હોસ્પિટલ શહેર તેમજ આસપાસના વિસ્તારો માટે આંખ સારવારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે.

ચક્ષુદાન ક્ષેત્રે પણ હોસ્પિટલની કામગીરી સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ છે. વર્ષ 2023માં 332 ચક્ષુદાન  થયા હતા,જે 2024માં વધીને 563 થયા હતા. વર્ષ 2025માં કુલ 505 ચક્ષુદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. નિઃસ્વાર્થ ચક્ષુ દાનના આ આંકડાઓ સમાજમાં માનવતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કેટરેક્ટ સર્જરીના ક્ષેત્રે શ્રી સી.એચ.નગરી મ્યુનિસિપલ આંખની હોસ્પિટલ સતત સફળતા હાંસલ કરી રહી છે. વર્ષ 2023માં 3529, વર્ષ 2024માં 3693 અને વર્ષ 2025માં કુલ 3918 કેટરેક્ટ ઓપરેશનો નિઃશુલ્ક અને સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ સર્જરીઓ ખાસ કરીને આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગ માટે દ્રષ્ટિ પુનઃપ્રાપ્ત કરવાની નવી આશા બની છે.

હોસ્પિટલ દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધુ આધુનિક સેવાઓ શરૂ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં વિઝન થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે, જેના થકી દર્દીઓને વધુ વિશેષ અને આંખની આધુનિક સારવાર ઉપલબ્ધ બનશે.

નિઃશુલ્ક આંખ સારવાર,સફળ સર્જરીઓ અને માનવતાભર્યા ચક્ષુદાનના કારણે શ્રી સી.એચ. નગરી મ્યુનિસિપલ આંખની હોસ્પિટલ આજે માત્ર આરોગ્ય સંસ્થા નહીં પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ સેવા કેન્દ્ર બની ગઈ છે.આંખ બચાવવાની અને આંખોના દાનની સંસ્કૃતિ વિકસાવવામાં નગરી હોસ્પિટલની ભૂમિકા અનન્ય અને પ્રશંસનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.