Western Times News

Gujarati News

આ ફાર્મસી કોલેજનો ચાર વર્ષનો કોર્સ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોલેજ બિલ્ડિંગ તૈયાર થયું નથી?

ગાંધીનગર સરકારી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણવા મજબૂર

(એજન્સી)અમદાવાદ , ગાંધીનગરમાં આવેલી સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૪માં કોલેજનું બિલ્ડિંગ તૈયાર થઇ જશે તેવી બાંયેધરી અપાઈ હતી. હાલમાં વિદ્યાર્થીઓના ચાર વર્ષનો કોર્સ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોલેજ બિલ્ડિંગ તૈયાર થયું નથી.

સરકારી પોલિટેકનિક કોલેજમાં ચાલતી સરકારી ફાર્મસી કોલેજમાં હાલમાં ચાર સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ભેગા બેસીને અભ્યાસ કરવો પડે છે. રેગ્યુલર અભ્યાસ થઇ શકે તેમ ન હોવાથી ૬૦ ટકા વર્ગાે ઓનલાઇન ચલાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઇ રહી છે.

ધો.૧૨ પાસ થયા બાદ વિદ્યાર્થીઓ સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે પહેલી પસંદગી આપતાં હોય છે. ગાંધીનગરમાં નવી સરકારી ફાર્મસી કોલેજને મંજૂરી આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આ કોલેજ સરકારી પોલિટેકનિકના બિલ્ડિંગમાં ચલાવવામાં આવે છે. સરકારી કોલેજમાં પ્રવેશ મળતો હોવાથી ઊંચા મેરિટમાં આવતાં વિદ્યાર્થીઓે આ કોલેજમાં પ્રવેશ લીધો હતો.

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રવેશ લેતી વખતે વર્ષ ૨૦૨૪માં કોલેજનું પોતાનું બિલ્ડિંગ તૈયાર થઇ જશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતું આગામી બે વર્ષમાં પણ નવું બિલ્ડિંગ તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન છે. હાલની સ્થિતિમાં કોલેજમાં ૧૭ ફેકલ્ટીની સામે માત્ર ૫ કાયમી ફેકલ્ટી અને ૨ વિઝિટિંગ ફેકલ્ટીથી કામગીરી ચલાવવામાં આવી રહી છે. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ કરવા માટે જે પ્રકારની લેબની જરૂર છે તે જ ન હોવાના કારણે પ્રેક્ટિકલ પણ ઓનલાઇન કરવા પડે છે.

આશ્ચર્યની વાત એ કે, કોલેજમાં બેસવા માટે પૂરતી જગ્યા જ ન હોવાના કારણે ૬૦ ટકા વર્ગાે ઓનલાઇન ચલાવવા પડે છે. વિદ્યાર્થીને રહેવા માટે હોસ્ટેલ સહિતની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે મહેસાણા, દહેગામ કે અમદાવાદથી વિદ્યાર્થીઓ આવે ત્યારે ખબર પડે છે કે કલાસ ઓનલાઇન લેવામાં આવશે.

આમ, વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો પણ વ્યય થઇ રહ્યો છે. કેટલીક વખત તો ચાર સેમેસ્ટરના વિદ્યાર્થીઓ વચ્ચે બે વર્ગાે હોવાના કારણે પ્રોફેસરે વિદ્યાર્થીઓને નીચે બેસીને ભણાવવા પડે તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે કોઇ એડમિન ઓફિસ ન હોવાના કારણે પ્રોફેસરોએ સ્કોલરશીપ, ફી લેવા સહિતની કામગીરી કરવી પડે છે. વિદ્યાર્થીઓ આ મુદ્દે કોઇ રજૂઆત કરવા જાય તો શિક્ષણ વિભાગ સમક્ષ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.