Western Times News

Gujarati News

સ્કૂલ બહાર ૩ વિદ્યાર્થી પર હુમલો -જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સહિત કુલ ૩ વિદ્યાર્થી પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શાળાના ગેટની બહાર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા.

પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધોરણ ૧૦ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂનીખેલથી પોલીસ પણ સ્તબ્ધ છે.

ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. શાળાની બહાર ધોળા દિવસે બનેલી આ ઘટનાએ વાલીઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.

ઘાટલોડિયા પોલીસની પ્રાથમિક તપાસમાં આ હુમલાની પદ્ધતિ અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થીઓ અને તેમના અન્ય મળતિયાઓએ મળીને આયોજનબદ્ધ રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતા અને તેમને બળજબરીપૂર્વક ખેંચીને શાળાના ગેટની બહાર લઈ ગયા હતા, જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે,

જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય એક વિદ્યાર્થી હુમલાખોરનું ચપ્પુ પકડવા જતાં આંગળીના ભાગે લોહીલુહાણ થયો છે. ત્રીજા વિદ્યાર્થીને મૂઢ માર વાગ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ સમગ્ર વિવાદના મૂળમાં ત્રણ મહિના પહેલા ‘ગમ્મત-ગમ્મતમાં’ થયેલી બોલાચાલી હતી,

જેનું માઠું લાગતા વિદ્યાર્થીઓ વચ્ચેની દુશ્મનાવટે આજે લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ સિટીના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘નેશનલ સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે

તેવું નેશનલ સ્કૂલના સંચાલકે ટેલિફોનિક પૂછતાછ કરતા માહિતી મળી છે. પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.