વર્ષ ૨૦૨૨માં આ રસ્તાનું ખાતમુર્હુત કરવામા આવેલ ત્યાર બાદ રાજકીય કાવાદાવામાં કામગીરી ખોરંભે પડી
કંબોડીયા-આટખોલ-મોતીયા જોડતા ૮ કિ.મી રસ્તાની કામગીરી ટલ્લે ચઢતા લોકો પરેશાન
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં છેલ્લા પંચીસ વર્ષ ઉપરાંતથી સૌનો સાથ સૌનો વિકાસના મુખ્ય મુદ્દાને લઈને ચાલી રહેલી ભાજપ સરકારના રાજમાં ડબલ એન્જીનવાળી સરકાર કામગીરી કરી રહી છે.
જેમા પણ પછાત વિસ્તારમાં વસ્તા લોકોને પાયાની માળખા ગત સુવિધાઓ જેવી કે પાણી, રોડ રસ્તાઓ, વિજળી વિગેરે અન્ય તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે અઠગ પ્રયત્નો સરકાર થકી થઈ રહ્યા છે.
જેમા સરકાર થકી ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ મળી રહે તે મુખ્ય ધ્યેય છે. ત્યારે ભરૂચ જીલ્લાના નેત્રંગ – ભરૂચ – ગાંધીનગર – દિલ્હી સુધીની ચાર એન્જીન વાળી સરકારના રાજમાં નેત્રંગ-ઝંખવાવ રોડ પર કંબોડીયાથી પુર્વ દિશામાં આવેલ કંબોડીયા-આટખોલ-મોતીયા ગામને જોડતો ૮ કિ.મીનો રોડ રસ્તો એકદમ તકલાદી અને ઘુળીયો થઈ જતા છેલ્લા સાત-આઠ વર્ષ થી ગરીબ આદિવાસીઓના ભણતા બાળકોથી લઈને આમ પ્રજા હેરાન પરેશાન થઈ તોબા પોકારી ઉઠી છે.
આ રસ્તાનું ખાતમુર્હુત વર્ષ ૨૦૨૨માં કરવામા આવેલ ત્યાર બાદ રાજકીય કાવાદાવામાં કામગીરી ખોરંભે પડી તે પડી રહી.ગત ચોમાસા દરમ્યાન ફરી ઢોલ નગારા પીટી ગાંધીનગર વાળાઓએ કામગીરી શરૂ કરાવી દીધી જેને લઈને લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ રોડ રસ્તાની કામગીરી ચોમાસા પહેલા શરૂ થયેલ કામગીરી ચોમાસામાં બંધ થયેલી કામગીરી આજની તારીખમાં ફરી નહિ શરૂ થતા ૮ કિ.મી સુધી પાઠરેલા મેટલને લઈને તેમજ ઉડતી ધુળના કારણે લોકો ઓર હેરાનપરેશાન થઈ રહ્યા છે.
તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઈ રહ્યુ છે કે વિપક્ષ કરતા ચાર એન્જીન વાળી સરકારમાં બેઠેલા જવાબદાર પદાધિકારીઓ જ અંદર અંદરની લડાઈ તેમજ ભાગબડાઈ અને ઈગોહટને લઈને પ્રજાને પડતી તકલીફો નજર અંદાજ કરતા નથી.જેને લઈને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત,જીલ્લા પંચાયતની ચુંટણીમાં ચાર એન્જીન માંથી બે એન્જીન કાઢી નાખે તો નવાઈ નહિ.
