કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણઃ વર્ષે રૂ. ૮થી ૧૦ લાખનો વ્યવસાય
વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારી
ગાંધીનગર, રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે.
રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે.
આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૫.૦૯ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૩ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૪,૦૫૦ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે.
આજે આ સંદર્ભે વાત કરવી છે શ્રી રાજીબેન વણકરની કે જેઓ કચ્છ જિલ્લાના અવધનગર ગામના રહેવાસી છે. જેમણે મહિલા સશક્તીકરણ અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંકલ્પ સાકાર કરી બતાવ્યો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ પ્લાસ્ટિક કચરાનું સુવ્યવસ્થિત સંચાલન કરીને રાજીબેને વેસ્ટ-ટુ-વેલ્થના સિદ્ધાંતને જીવંત રૂપ આપ્યું છે. તેમણે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી વિવિંગ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવી અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડી છે.
વર્ષ ૧૯૭૯માં ભુજ તાલુકાના કોટાય ગામમાં જન્મેલા રાજીબેન માત્ર બે ધોરણ સુધી જ ભણી શક્યા હતા. બાળપણથી જ મજૂરી અને વણાટકામ સાથે જોડાયેલા રાજીબેનના જીવનમાં પતિના આકસ્મિક અવસાન બાદ આર્થિક સંકટ ઊભું થયું. બે દીકરા અને એક દીકરીની જવાબદારી સાથે વર્ષ ૨૦૦૭માં તેઓ અવધનગર ગામે વસવાટ માટે આવ્યા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે સમય દરમિયાન ‘મિશન મંગલમ યોજના’ અંગે માહિતી મળતા રાજીબેને “કુળદેવી સખી મંડળ”ની રચના કરી આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું.
રાજીબેને સખી મંડળમાં મહિલાઓ સાથે મળીને વેસ્ટ પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરીને દોરામાં રૂપાંતરિત કરી બેગ, સાદડીઓ અને ફર્નિચર જેવી ચીજવસ્તુઓ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. એક એકલ નારી તરીકે જીવનના સંઘર્ષને માત આપી રાજીબેને ન માત્ર પોતાનો પરિવાર સંભાળ્યો, પરંતુ અનેક ગ્રામીણ મહિલાઓને રોજગારી સાથે આત્મસન્માન પણ આપ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કેશ ક્રેડિટ લોન જેવી અનેક મહત્વની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજીબેને ગ્રામ સંગઠન મારફતે મળેલી રૂ. ૭૦ હજારની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સહાય તેમજ રૂ. ૨ લાખની કેશ ક્રેડિટ લોનથી ૧૫ મહિલાઓ સાથે મળીને ઉત્પાદન એકમની સ્થાપના કરી હતી. જેના થકી આજે ૩૫થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. જેના પરિણામે તેઓ દર વર્ષે રૂ. ૮થી ૧૦ લાખનો વ્યવસાય કરી રહ્યા છે. આમ, રાજીબેન મહિલાઓમાં બચતનું મહત્વ, શિક્ષણ અને આત્મવિશ્વાસ અંગે પ્રેરણા આપી રહ્યા છે.
રાજીબેન પોતે ઓછું ભણ્યા હોવા છતાં દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી પોતાના વિચારોથી અનેક પરિવારો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે. તેમની નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે સ્વ-સહાય જૂથના સભ્ય રાજીબેન વણકરને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર(સ્વચ્છ સુજલ શક્તિ સન્માન)થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નારી એવોર્ડ(૨૦૨૧-જીએલપીસી),સોશિયલ એન્ટરપ્રીનીયર એવોર્ડ-નાબાર્ડ તથા વુમન એક્સેલેન્સ એવોર્ડ(૨૦૨૨)નો સમાવેશ થાય છે.
આમ, મજબૂત મનોબળ અને દ્રઢ ઈચ્છાશક્તિથી દરેક મહિલા પગભર થઈ શકે છે. રાજીબેન વણકરની આ યાત્રા એ જ સાબિત કરે છે કે, સંકલ્પ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકે છે. તેની સાથે પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ તરફ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી શકે છે. -જીગર બારોટ
