પત્ની પ્રેમી સાથે એક્ટિવા લઈ ભાગી પતિ નફરતમાં એક્ટિવાચોર બન્યો
અમદાવાદ, અમદાવાદની ઝોન-૧ એલસીબીએ એક એવા રીઢા વાહનચોરને પકડ્યો છે જેની ગુનાઇત કહાનીની સાથે સાથે જીવનની પણ એક ફિલ્મી કહાની છે. ઝોન-૧ એલસીબીએ એક રીઢા વાહનચોરને પાંચ ટુ વ્હીલર સાથે ઝડપી લીધો છે.
આરોપીએ શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો આચરવાનું બાકી રાખ્યું નથી, તેણે અત્યાર સુધીમાં આશરે ૨૦૦ ગુના આચર્યા છે. જેમાંથી ૭૧ ગુના તો પોલીસ ચોપડે નોંધાયા છે.
આરોપી માત્ર એક્ટિવા જ ચોરી કરવા પાછળનું કારણ જાણવા પોલીસે પૂછપરછ કરતા પત્નીની બેવફાઇનું કારણ સામે આવ્યું હતું. આરોપીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને પત્નીને એક્ટિવા ભેટ કર્યુ હતું. જોકે, પત્નીએ દગો આપ્યો હતો અને પતિએ આપેલી ભેટનું એક્ટિવા લઇને તે પ્રેમીને મળવા જતી હતી. જેથી પત્નીની બેવફાઇનો બદલો લેવા આરોપી પતિ રીઢો એક્ટિવાચોર બની ગયો હોવાનું સામે આવ્યું છે.
ઝોન-૧ ડીસીપી હર્ષદ પટેલની એલસીબીના પીએસઆઇ જી.કે. ચાવડા અને તેમની ટીમે બાતમીના આધારે એક વાહનચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે હીતેષ જૈન (ઉ.૪૯, રહે. કિરણ એપાર્ટમેન્ટ, શાહીબાગ)ને ઝડપી પાડી તેની પાસેથી પાંચ જેટલા ટુ વ્હીલર કબજે કર્યા છે. આરોપીએ આ ટુ વ્હીલર ગુજરાત યુનિ., આનંદનગર, સેટેલાઇટ, ચાંદખેડા અને નડિયાદ ટાઉનમાંથી ચોરી કર્યા હતા. આરોપી રીઢો ચોર હોવાથી માત્ર એક્ટિવા જ ચોરી કરવા બાબતે પોલીસે પૂછપરછ કરતા ફિલ્મી કહાનીના પ્લોટ જેવી સ્ટોરી સામે આવી હતી. આરોપી હાલ તેની માતા સાથે રહે છે. તે ગર્ભશ્રીમંત છે પરંતુ તેની પત્નીથી અલગ રહે છે.
તેની પત્નીને થોડા વર્ષાે પહેલા કોઇ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. પૂર્વ પત્ની તેના પ્રેમીને મળવા એક્ટિવા લઇને જ જતી હતી. એકતરફ આરોપીને પત્નીની બેવફાઇ અને બીજીબાજુ તેના પ્રત્યેનો ગુસ્સો વાહનચોરી તરફ દોરી ગયો હતો.
પત્ની એક્ટિવા પર જ પ્રેમીને મળવા જતી હોવાથી આરોપીએ પત્નીની બેવફાઇનો બદલો એક્ટિવા સાથે લઇને વાહનચોરી શરૂ કરી હતી. એક બાદ એક તેણે શહેરમાં ૨૦૦ જેટલી ચોરી કરી છે અને ૭૧ જેટલા ગુના તેની સામે નોંધાયેલા છે.
આમ, વાહનચોરીનો ‘કિંગ’ ગણાતો આ આરોપી એક જગ્યાએથી એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઇ જાય ત્યાં જ બિનવારસી મૂકીને બીજેથી નવું એક્ટિવા ચોરીને શહેરમાં ફરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી હીતેષ જૈનની પૂછપરછ દરમિયાન તે પડી ભાંગ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે મેં ગિફ્ટ આપેલું એક્ટિવા લઇને જ મારી પત્ની બોયફ્રેન્ડને મળવા જતી હતી. તેણે મને દગો આપ્યો છે એટલે મને એક્ટિવાથી જ નફરત થઇ ગઇ છે.
એક્ટિવા જોવું છું ને મને તે યાદ આવે છે, એટલે જ સૌથી વધુ એક્ટિવાની ચોરી કરુ છું…પત્નીએ મને રેઢો મૂકી દીધો હતો એટલે એક્ટિવા ચોરી કરીને તેને રેઢુ મૂકી દવું છું.SS1MS
