Western Times News

Gujarati News

પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા

અમદાવાદ: પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી.

પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા. ઝુપડામાં કોઇક કારણસર અચાનક આગ ફાટી નીકળતાં બાળકો આગની જવાળાઓમાં ફસાઇ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. ઝુપડું આખું લાકડાનુ અને ઘાસની મદદથી બન્યું હોઇ આગ ઝડપથી વકરી હતી અને આખુ ઝુંપડું બળીને ખાખ થઇ ગયુ હતુ,

જેમા ંમજૂર પરિવારના ત્રણ બાળકો પણ જીવતા ભડથું થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે ગરીબ મજૂર પરિવાર પર આભ તૂટી પડયું હતું. પોરબંદરના હનુમાનગઢ ગામમાં માતા-પિતા કામે બહાર ગયા હતા તે દરમ્યાન ઝુંપડામાં લાગેલી આગ બાદ સ્થાનિક ગ્રામજનોએ આગ પર પાણીથી મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ ઓલવાય ત્યાં સુધીમાં ઝુંપડામાં રહેલા ત્રણ બાળકોના મોત નીપજી ચૂક્યા હતા.

ગ્રામજનોએ ૧૦૮ મારફત તુરંત ત્રણેય બાળકોને પોરબંદર હોસ્પિટલે ખસેડ્‌યા હતા. પરંતુ બાળકોએ પહેલેથી જ દમ તોડી દેતા પીએમની કાર્યવાહી હાથ ધરાઇ છે. મજૂરની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થતા ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ આ મુદ્દે લોકોની પૂછપરછ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.