ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી: કચ્છની સરહદ ડેરી
કચ્છની સરહદ ડેરીમાં છે ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ;
સહકારથી સમૃદ્ધિ: સરહદ ડેરીએ 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોના બૅન્ક ખાતા ખોલ્યા; 438 મંડળીઓને માઇક્રો એટીએમ મળ્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂકંપ બાદ કચ્છની થઈ કાયાપલટ, સહકારી ક્ષેત્રે સરહદ ડેરી લાવી સકારાત્મક પરિવર્તન
26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જો કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રદેશની એવી કાયાપલટ થઈ કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે અગ્રેસર જિલ્લો બન્યો છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છની વિકાસયાત્રાને વધુ વેગ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે. 2009માં શ્રી વલમજી હુંબલ દ્વારા સ્થાપિત સરહદ ડેરી કચ્છની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને જિલ્લાના પશુપાલકો માટે આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
સરહદ ડેરી 80,000 દૂધ ઉત્પાદકો પાસેથી દરરોજ 5.5 લાખ લિટર દૂધ મેળવે છે
સરહદ ડેરી 900થી વધુ સહકારી મંડળીઓ મારફતે દરરોજ આશરે 80,000 દૂધ ઉત્પાદકો પાસેથી 5.5 લાખ લિટર જેટલું દૂધ એકત્ર કરે છે. ડેરીમાં દરરોજ 4 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થાય છે અને અહીં 300 ટન ક્ષમતાનો પશુઆહાર (કેટલ ફીડ) પ્લાન્ટ પણ છે. આ ઉપરાંત, ડેરી દ્વારા દરરોજ 50,000 લિટર આઈસક્રીમ પણ બનાવવામાં આવે છે, જેમાં સૌથી વધુ ઉત્પાદન 3.38 લાખ લિટર પ્રતિ દિવસ નોંધાયું છે.

ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 કરોડની ચુકવણી કરવામાં આવે છે. વર્ષ 2024–25 દરમિયાન સરહદ ડેરીએ ₹1,200 કરોડથી વધુનો ઐતિહાસિક ટર્નઓવર હાંસલ કર્યો છે, જે વાર્ષિક 9.09 ટકાનો વધારો દર્શાવે છે. સરહદ ડેરી હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અમૂલના ડેરી પ્લાન્ટને ભેંસનું શુદ્ધ દૂધ પુરું પાડવામાં પણ અગ્રેસર છે.
સરહદ ડેરી ખાતે છે ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ
કચ્છના રણનું સફેદ સોનું ગણાતા ઊંટડીના દૂધમાં ભરપૂર ખાદ્ય ખનીજ તત્વો હોય છે, જે આરોગ્ય માટે લાભદાયક છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભારતનો સૌપ્રથમ ઊંટડીના દૂધને દુર્ગંધમુક્ત કરવાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં એટલે કે સરહદ ડેરી પાસે છે, જે 16 જાન્યુઆરી 2019થી કાર્યરત છે. ઊંટડીના દૂધ માટેનું પ્રાથમિક ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ સરહદ ડેરીએ મેળવેલ છે. કચ્છ જિલ્લામાં રાપર, નખત્રાણા, ગઢશીશા અને કોટડા આથમણા એમ ચાર કલેક્શન કેન્દ્ર મારફતે
ઊંટડીના દૂધનું અમૂલ પેટર્ન મુજબ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન ઊંટડીનું દૈનિક દૂધ સંપાદન 4,754 લિટર થયું છે. ઊંટડીનું દૂધ જમા કરાવતા ઊંટપાલકોને વાર્ષિક ₹8,72,83,440 ચૂકવણું કરવામાં આવ્યું છે જેનાથી 350થી વધુ ઊંટપાલક પરિવારોને લાભ થયેલ છે.
આ ઉપરાંત, સમગ્ર ભારતમાં ઊંટડીના દૂધની રાજભોગ ફ્લેવરની આઇસ્ક્રીમ માત્ર સરહદ ડેરીમાં જ બનાવવામાં આવે છે. 22 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ફક્ત એક જ વર્ષમાં 80 વેરાયટી લૉન્ચ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં કુલ 24.52 લાખ લિટર આઇસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને મહત્તમ ડિસપેચ 58,000 લિટર નોંધાયું છે.
સરહદ ડેરીને મળી છે વૈશ્વિક ઓળખ
જાન્યુઆરી 2022માં ગાંધીનગરમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન (IDA) કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સરહદ ડેરીએ ભાગ લીધો હતો. તો ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) દ્વારા કેરળ રાજ્યના કોચી ખાતે વિશ્વમાં પ્રથમ વખત રિજિનલ ડેરી કોન્ફરન્સ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં વિશ્વમાં ઊંટ અને ઊંટડીના વિષય પર એક મહત્વનું સેશન યોજવામાં આવ્યું હતો જેમાં સરહદ ડેરી દ્વારા એશિયા પેસિફિક પ્રદેશમાં ઊંટડીના દૂધના પ્રોસેસિંગ અને બનાવટોમાં જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે, તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી હતી.
આ ઉપરાંત, સરહદ ડેરીને 2025માં દુબઈમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ફૂડ શો ‘ગલ્ફ ફૂડ એક્સ્પો’માં પણ વૈશ્વિક સ્તરે ઓળખ મળી હતી, જ્યાં અમૂલના સ્ટોલ પર ઊંટડીના દૂધના ઉત્પાદનોએ વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું.
સરહદ ડેરીને તેની પ્રશંસનીય કામગીરી બદલ ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે- સામાજિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે FOKIA Award 2014, કચ્છ ડેરી ક્ષેત્રના વિકાસ માટે રોટરી ક્લબ વોકેશનલ એક્સેલન્સ અવૉર્ડ 2017, એગ્રીટેકમાં ઉત્કૃષ્ટતા બદલ FOKIA Award 2024 અને ટકાઉ પ્રદર્શન માટે VNM TV તરફથી ગ્રીન વર્કપ્લેસ અવૉર્ડ 2025.
‘સહકારથી સમૃદ્ધિ’ની પરિકલ્પનાને સાકાર કરી રહી છે સરહદ ડેરી
‘સહકારથી સમૃદ્ધિ’ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા એક દૂરંદેશી પહેલ છે. આ કાર્યક્રમ હેઠળ, સરહદ ડેરીએ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્ક (KDCC બૅન્ક) માં 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોને ખાતા ખોલવામાં મદદ કરી છે. બૅન્કિંગને વધુ સરળ બનાવવા માટે ખેડૂતોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે અને 438 દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ પ્રાપ્ત થયા છે.
