અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે
દાવોસ, સ્વિસ આલ્પ્સની હિમઆચ્છાદીત ટેકરીઓ વચ્ચે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક એવું નિવેદન આપ્યું છે જેણે વૈશ્વિક રાજદ્વારી ગણિત બદલી નાખ્યા છે. કાર્નીએ દાયકાઓથી ચાલી આવતી અમેરિકાના નેતૃત્વવાળી વિશ્વ વ્યવસ્થા પર સીધો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું છે કે જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે.
તેમણે સ્વીકાર્યું હતું કે આપણે માત્ર પરિવર્તનના સમયગાળામાંથી જ નથી પસાર થઈ રહ્યા, પરંતુ એક મોટી વૈશ્વિક તૂટની વચ્ચે ઉભા છીએ, જ્યાં જૂની નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે અસરકારક રહી નથી.
અમેરિકી વર્ચસ્વ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિકીકરણથી સૌનું ભલું થશે તેવી વાર્તા આંશિક રીતે ખોટી હતી. શક્તિશાળી દેશો પોતાની સુવિધા મુજબ નિયમો તોડતા રહ્યા અને વેપારના નિયમો હંમેશા એકતરફી લાગુ કરવામાં આવ્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં જે આર્થિક એકીકરણને સમૃદ્ધિનું માધ્યમ માનવામાં આવતું હતું, તે જ હવે સુરક્ષા માટે જોખમ અને હથિયાર બની રહ્યું છે.
હાલમાં ટેરિફ અને સપ્લાય ચેઈનનો ઉપયોગ દબાણ લાવવાના સાધન તરીકે થઈ રહ્યો છે, જે વૈશ્વિક પરસ્પર નિર્ભરતાને નબળી પાડી રહ્યો છે.કેનેડાના સંદર્ભમાં કડવી હકીકત સ્વીકારતા વડાપ્રધાને કહ્યું કે, માત્ર ભૌગોલિક સ્થાન કે પરંપરાગત ગઠબંધન હવે દેશની સુરક્ષા અને સમૃદ્ધિની ખાતરી આપી શકે તેમ નથી.
જ્યારે આર્થિક જોડાણો જ તમને આધીન બનાવવાનું સાધન બની જાય, ત્યારે પરસ્પર લાભના ભ્રમમાં જીવવું જોખમી છે. તેમણે કેનેડાને પોતાની આંતરિક ક્ષમતાઓ મજબૂત કરવા અને કોઈ એક જ ભાગીદાર પર નિર્ભરતા ઘટાડીને વેપારી સંબંધોમાં વિવિધતા લાવવા માટે આહવાન કર્યું હતું.
અંતમાં, વિશ્વ વ્યાપાર સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર જેવી નબળી પડતી સંસ્થાઓનો ઉલ્લેખ કરતા કાર્નીએ આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જે દેશ પોતાની જરૂરિયાતનું અનાજ, બળતણ કે સંરક્ષણની વ્યવસ્થા જાતે નથી કરી શકતો, તેની પાસે ભવિષ્યમાં બહુ ઓછા વિકલ્પો બચશે. જ્યારે આંતરરાષ્ટ્રીય નિયમો તમારી રક્ષા કરવામાં નિષ્ફળ જાય, ત્યારે દેશે પોતે જ પોતાની રક્ષા માટે સક્ષમ બનવું પડે છે.SS1MS
