ભારતે બાંગ્લાદેશમાં સ્થિત રાજદૂતોના પરિવારોને દેશ પરત ફરવાના નિર્દેશ આપ્યા
નવી દિલ્હી, ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા મહિનાથી હિંસા વધી રહી છે. શેખ હસીનાને પદ પરથી હટાવ્યા બાદ હજુ સુધી પણ પરિસ્થિતિ સામાન્ય થઈ શકી નથી. એવામાં લઘુમતી હિન્દુઓની હત્યાના કેસ પણ વધી રહ્યા છે. એવામાં મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે ભારતે બાંગ્લાદેશમાં સ્થિત રાજદૂતોના પરિવારોને દેશ પરત ફરવાના નિર્દેશ આપ્યા છે. બાંગ્લાદેશમાં થોડા દિવસોમાં ચૂંટણી યોજવવાની છે.
એવામાં સૂત્રો અનુસાર દાવો કરાયો છે કે, રાજદૂતોના પરિવારોની સુરક્ષાને ધ્યાને રાખીને અગમચેતીના ભાગરૂપે અધિકારીઓના પરિવારોને ભારત પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં ઢાકા તથા ચટગાંવ, ખૂલના, રાજશાહી અને સિલહટમાં ભારતની એમ્બેસી કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના કારણે સતત હિંસા વધી રહી છે.
ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની વિદાય બાદ બાંગલાદેશમાં વચગાળાની યુનુસ સરકારની રચના થઈ હતી. જોકે મોહમ્મદ યુનુસે સત્તા સંભાળ્યા બાદથી જ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી છે. ખાસ કરીને લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારત ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.SS1MS
