Western Times News

Gujarati News

પીસ બોર્ડમાં નહીં જોડાઓ તો ૨૦૦ ટકા ટેરિફ નાંખીશ: ટ્રમ્પની ફ્રાન્સને ધમકી

વોશિંગ્ટન , અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં શાંતિની સ્થાપના માટે રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિકલ્પ તરીકે નવા વૈશ્વિક સંગઠન ‘પીસ બોર્ડ’ની રચનાની કવાયત કરી રહ્યા છે ત્યારે ફ્રાન્સે આ બોર્ડમાં નહીં જોડાવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

બીજીબાજુ કેનેડાએ ‘પીસ બોર્ડ’ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ તેના કાયમી સભ્ય બનવા ૧ અબજ ડોલરની ફી ચૂકવવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના ઈનકારથી ધૂંધવાયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સ પર ૨૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પીસ બોર્ડમાં જોડાવા માટે રશિયા, ભારત, પાકિસ્તાન, કેનેડા, ચીન સહિત ૬૦થી વધુ દેશોને આમંત્રણ આપ્યું છે. જોકે, ફ્રાન્સ અને કેનેડાએ આ સંગઠનના સ્થાયી સભ્ય બનવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ બોર્ડમાં સામેલ નહીં થાય.

કેનેડાએ પણ આ બોર્ડમાં સભ્ય બનવા ફી ચૂકવવાનો ઈનકાર કરી દીધો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના નજીકના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે તેઓ ટ્રમ્પના પીસ બોર્ડમાં જોડાવાનો ઈરાદો નથી ધરાવતા આ બોર્ડ મૂળભૂતરૂપે યુદ્ધગ્રસ્ત ગાઝાના પુનર્નિર્માણની દેખરેખ માટે બનાવાયું છે, પરંતુ ચાર્ટરમાં તેની ભૂમિકાને કબજાવાળા પેલેસ્ટાઈન ક્ષેત્ર સુધી મર્યાદિત નથી રખાયું, જે ચિંતાજનક બાબત છે.

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષપદે બનનારું આ બોર્ડ કેવી રીતે કામ કરશે તે પણ સ્પષ્ટ કરાયું નથી.ફ્રાન્સની સાથે કેનેડાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સ્થાયી સભ્ય તરીકે પીસ બોર્ડમાં જોડાવા માટે ફી ભરશે નહીં અને કેનેડાને હાલ આ ફી ભરવા કહેવાયું પણ નથી.

જોકે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સંકેત આપ્યા કે તેઓ આ બોર્ડમાં સામેલ થવાનું નિમંત્રણ સ્વીકારી શકે છે. ફ્રાન્સ પીસ બોર્ડમાં સામેલ નથી થવાનું તેવા અહેવાલો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, શું ખરેખર તેમણે એવું કહ્યું? જોકે, કોઈપણ તેમને ઈચ્છતું નથી, કારણ કે તેઓ ટૂંક સમયમાં જ પ્રમુખપદેથી દૂર થઈ જવાના છે. ટ્રમ્પે ફરીથી ધમકી આપતા કહ્યું કે, ટેરિફ મૈક્રોનું મન બદલી દેશે.

ભલે બોર્ડમાં જોડાવું ફરજિયાત નથી. પરંતુ હું તેમની વાઈન અને શેમ્પેન પર ૨૦૦ ટકા ટેરિફ નાંખી દઈશ અને તેઓ બોર્ડમાં સામેલ થઈ જશે. જોકે, તેમનું બોર્ડમાં જોડાવું જરૂરી નથી.ટ્રમ્પે પીસ બોર્ડની રચના માટે દુનિયાના દેશોને આમંત્રણ મોકલ્યા પછી ફ્રાન્સ અને કેનેડા પહેલા એવા દેશો છે, જેમણે સ્પષ્ટરૂપે તેમાં જોડાવાનો ઈનકાર કર્યા છે. આ સિવાય ભારત, રશિયા, બ્રિટન, યુરોપના દેશોએ આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

તેઓ વિચારણા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. આવા સમયે ફ્રાન્સ અને કેનેડાનો ઈનકાર ટ્રમ્પના ડ્રીમ સંગઠન ‘પીસ બોર્ડ’ની રચના માટે મોટા ફટકા સમાન માનવામાં આવે છે.ચીને મંગળવારે સ્વીકાર્યું કે તેને પણ પીસ બોર્ડ ઓફ ગાઝામાં જોડાવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આમંત્રણ મળ્યું છે પરંતુ તેમણે આ બોર્ડમાં જોડાવા મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીનના વિદેશ પ્રવક્તા ગુઓ જિઆકુને આ આમંત્રણ કોને સંબોધીને અપાયું છે અને ચીન બોર્ડમાં જોડાશે કે કેમ તે અંગે કશું પણ કહેવાનો ઈનકાર કર્યા હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.