પેટલાદ-શાહપુર રોડ ઉપર મોપેડ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત
આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શાહપુર ગામ નજીક શાહપુર રોડ પર સોમવારે સાંજના અરસામાં એકટીવા અને બાઈક સામસામે અથડાતા બંને વાહનોના ચાલકને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યા હતા. જ્યારે એકટીવાની પાછળ બેઠેલા ગોરેલ ગામના યુવકને પણ ગંભીર ઈજા થયાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.
પેટલાદ તાલુકાના શાહપુર ગામે રામદેવ ચોક વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ મણીભાઈ પટેલ પોતાનું બજાજ એવીએન્જર બાઈક લઈને કોઈક કામ અર્થે પેટલાદ શહેરમાં ગયા હતા અને પેટલાદનું કામ પતાવીને પરત શાહપુર ગામે જવા નીકળ્યા હતા.
સોમવારે સાંજના અરસામાં શાહપુર જવાના રોડ પર આવેલ નિર્મેશભાઈ પટેલની ખરી નજીકથી પસાર થતા હતા. આ વખતે સામેથી પુરઝડપે આવી ચઢેલ એકટીવાના ચાલક બાઇકને સામેથી ટક્કર મારતા બાઈકચાલક ચિરાગભાઈ પટેલ, એકટીવાચાલક અલ્પેશભાઈ અને એકટીવાની પાછળ બેઠેલ ગોરેલ ગામના જીતુભાઈ ભાનુભાઈ જે ત્રણેય રોડ ઉપર પટકાયા હતા અને ત્રણેયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ બનતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત ચિરાગભાઈ પટેલ, અલ્પેશભાઈ અને જીતુભાઈને તાત્કાલીક સારવાર અર્થે પેટલા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમ્યાન બાઈકચાલક ચિરાગભાઈ પટેલ અને એકટીવાચાલક અલ્પેશભાઈને ફરજ પરના ડોક્ટરે મરણ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત જીતુભાઈ ભાનુભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પેટલાદ રૂરલ પોલીસે શાહપુર ગામના ધર્મેશકુમાર મનુભાઈ પટેલની ફરિયાદ લઈ એકટીવાચાલક મરણ જનાર અલ્પેશભાઈ કનુભાઈ વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
