સોલા, અસલાલી, બગોદરામાંથી ૮૩ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
અમદાવાદ, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં દારૂ બિયરની ડિમાન્ડ વધી છે જેના કારણે રાજસ્થાનથી અમદાવાદ થઇને બૂટલેગરો દારૂ બિયરનો જથ્થો સપ્લાય કરી રહ્યા છે.
પરંતુ આ બૂટલેગરો અને દારૂ મોકલનારની અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ પાસે માહિતી હોવાથી લાખો કરોડોનો દારૂ બિયરનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં એક જ દિવસમાં ૮૩.૨૨ લાખનો દારૂ બિયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. સોલા, અસલાલી, બગોદરા પોલીસે પકડેલો આ જથ્થો ટાઇલ્સના પાવડર, ડાંગરની કુશ્કી, પ્લાસ્ટિકના પીપડાની આડમાં લઇ જવાતો હતો.
લાકડાના ભૂંસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. સોલાના ઇન્સપેક્ટર કે. એન. ભુકણ અને સર્વેલન્સ પીએસઆઇ નીરજસિંઘની ટીમે બાતમીના આધારે વૈષ્ણોદેવી તરફથી આવેલી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરના ૮૦૦ નંગ કટ્ટા મળી આવ્યા હતા.
આ કટ્ટાની નીચેથી ૨૨૮ જેટલી વિદેશી દારૂની બોટલ, ફોન અને ટ્રક મળી પોલીસે કુલ ૧૯.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર કૈલાશચંદ્ર કોટેડ, જીવતરામ ઔતા અને અલ્પેશ મીણાની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનના હીરા કલાસવાએ મોકલ્યો હતો અને તેને મોરબી પહોંચાડે તે પહેલા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
જ્યારે ગ્રામ્ય પોલીસે પણ લાખો રૂપિયાની મતાનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો છે. ગ્રામ્ય એલસીબીએ અસલાલીના તિરૂપતિ એસ્ટેટમાં પડેલી એક આઇસરની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના પીપડાની આડમાં રાખેલો ૩૭૫૧ બોટલ દારૂના જથ્થા સાથે કુલ ૧૭.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી અનીલ જાટ, સંજય ઉર્ફે ઠુઠીયો ચાવડાની ધરપકડ કરી છે.
તો બીજીતરફ, બગોદરાના ઇન્સ્પેક્ટર યુ.બી. જોગરાણાની ટીમે રોહીકા ચોકડી પાસે પડેલી શંકાસ્પદ ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી ડાંગરની કુશકી ભરેલા ૧૦૦ કોથળાની આડમાં ૧૩,૫૪૮ જેટલી દારૂની બોટલો ભરેલી ૪૦૬ પેટી અને ૩૭૨૦ ટીન ભરેલી ૧૫૫ બિયરની પેટી મળી કુલ રૂ. ૭૦.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે આઇસર પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું જણાયું છે.SS1MS
