ઓઢવમાં ડુપ્લિકેટ દારૂ વેચવાનું કૌભાંડ
અમદાવાદ , ઓઢવના આદીનાથનગર વિસ્તારમાં અરિહંત સોસાયટીમાં રહેતા શાહ દંપતીની દીકરીના લગ્ન નજીકના સમયમાં આવતાં હોવાથી દંપતીએ ગેરકાયદે રીતે ડુપ્લિકેટ દારૂનું વેચાણ અને હોમ ડિલિવરી શરૂ કરી હતી.
સસ્તી કિંમતના દારૂને મોંઘીદાટ બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી બમણા ભાવે વેચાણ કરાતું હતું. ઓઢવ પોલીસે બાતમીના આધારે શાહ દંપતીના ઘરે દરોડા પાડ્યો ત્યારે બૂટલેગર પતિ અલ્પેશ શાહ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જ્યારે તેની પત્ની લક્ષ્મીબેન શાહ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે મહિલાની રૂ. ૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી શાહ દંપતી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે.ઓઢવ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતા શાહ દંપતીના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસને મોંઘી બ્રાન્ડની ખાલી કાચની બોટલો, સ્ટીકર, ઢાંકણ પર લગાવવાના સીલ તેમજ બોટલના બૂચ ખોલવાના સાધનો મળ્યા હતા.
મોંઘીદાટ બોટલોમાં સસ્તો દારૂ ભરી ઊંચા ભાવે વેચાણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં ઓઢવ પોલીસને સફળતા મળી છે. શહેર પોલીસ કમિશનરની કડક સૂચનાના પગલે શહેરમાં ચાલી રહેલી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
નિયમિત રીતે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા તત્ત્વો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઇન્સ્પેક્ટર પી.એન. ઝિંઝુવાડિયા અને તેમની ટીમે કાર્યવાહી કરી શાહ દંપતી વિરુદ્ધ ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.
મહિલા આરોપીએ પોલીસનેજણાવ્યું હતું કે તેની દીકરીના ૪ મહિના બાદ લગ્ન હોવાથી ખર્ચ માટે દંપતીએ ડુપ્લિકેટ દારૂની મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક બોટલની બજાર કિંમત રૂપિયા ૩૦ હજાર જેટલી હોવાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફરાર બૂટલેગર અલ્પેશ શાહ રોજના હજારો રૂપિયાની કમાણી કરતો હતો.SS1MS
