પ્રભાસની રાજા સાબ ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
મુંબઈ, પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’ લાંબા સમયથી ચર્ચામાં હતી અને દર્શકોને ફિલ્મ પાસેથી મોટી અપેક્ષાઓ હતી. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. મારુતિના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ધીમી ગતિથી આગળ વધતાં રિલીઝના ૧૦ દિવસ બાદ વિશ્વભરમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, પરંતુ પ્રભાસની અગાઉની ફ્લોપ ફિલ્મોની તુલનામાં પણ ‘ધ રાજા સાબ’ની કમાણીની ગતિ નબળી રહી છે.
‘ધ રાજા સાબ’ ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલા ફિલ્મને લઈને ભારે હાઇપ ઊભો થયો હતો અને દર્શકો તેને જોવા આતુર હતા. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની અપેક્ષાઓ તૂટી જતી દેખાઈ.
ફિલ્મની ઓપનિંગ ધીમી રહી અને ત્યારબાદની કમાણીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકી નથી.પ્રભાસની અગાઉની ફિલ્મ ‘આદિપુરુષ’ ભલે ફ્લોપ સાબિત થઈ હોય, પરંતુ તેના બોક્સ ઓફિસ પરના આંકડા ‘ધ રાજા સાબ’ કરતા વધુ સારા રહ્યા હતા. ‘આદિપુરુષ’એ રિલીઝના ૧૦ દિવસમાં ૨૭૫.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘ધ રાજા સાબ’ તેની તુલનામાં ઘણી પાછળ રહી ગઈ છે.
સૅકનિલ્કના રિપોર્ટ મુજબ, ‘ધ રાજા સાબ’એ રિલીઝના ૧૦મા દિવસે માત્ર ૨.૨૬ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. સામાન્ય રીતે વીકએન્ડ દરમિયાન ફિલ્મોની કમાણીમાં વધારો જોવા મળે છે, પરંતુ આ ફિલ્મ વીકેન્ડનો લાભ ઉઠાવી શકી નથી.
અત્યાર સુધીમાં ફિલ્મે દેશભરમાં કુલ ૧૩૯.૨૫ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે.જ્યારે ‘આદિપુરુષ’ની તુલના કરવામાં આવે તો, તે ફિલ્મે ૧૦ દિવસમાં ૨૭૫.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેનું વર્લ્ડવાઇડ કલેકશન ૩૭૮.૦૫ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું.ફિલ્મના પ્રમોશન દરમિયાન દિગ્દર્શક મારુતિએ ફિલ્મના સારા પ્રદર્શનનો દાવો કર્યાે હતો, પરંતુ રિલીઝ પછી આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા.
દર્શકોએ ફિલ્મની સ્ટોરીને નબળી ગણાવી છે. હોરર-કોમેડી જોનરની આ ફિલ્મમાં પ્રભાસ સાથે સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર, બોમન ઈરાની અને ઝરીના વહાબ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.SS1MS
