રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં વિવેક ઓબેરોય ફસાયો
મુંબઈ, મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(ઈઓડબ્લ્યુ) રૂપિયા ૩૪.૭૫ કરોડ રૂપિયાની હીરાની છેતરપિંડીના મામલમાં એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર ક્યુપિડ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દ્વારા નોંધાવવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફરિયાદમાં સતીશ દર્યાનાની, રિકી વસંદાની અને બાલીવુડ ફિલ્મોના અભિનેતા વિવેક ઓબેરોયના નામો સામેલ છે.
ક્યુપિડ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરનો આક્ષેપ છે કે આરોપીઓએ ષડયંત્ર રચીને કેટલાય વર્ષાે સુધી આયોજનબદ્ધ રીતે છેતરપિંડી કરી હતી. ફરિયાદ અનુસાર, હીરા છેતરપિંડીનું આ સમગ્ર ષડયંત્ર વર્ષ ૨૦૨૧થી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન રચાયું હતું. શરૂઆતમાં આરોપીઓએ વેપારી પાસેથી ઓછી માત્રામાં હીરા ખરીદ્યા અને સમયસર ચૂકવણી કરી, જેથી બજારમાં તેમની વિશ્વસનીયતા ઊભી થઈ.
જ્યારે વિશ્વાસ સ્થાપિત થઈ ગયો, ત્યારબાદ આરોપીઓએ વેપારીને તેમની કંપની ‘સોલિટિયર ડાયમંડ્સ’ના દુબઈમાં આવનારા આઈપીઓમાં ૨૫ ટકા શેર આપવાની લાલચ આપી. આ લાલચમાં આવીને વેપારીએ મોટી માત્રામાં મોંઘા હીરા આપ્યા. તેના બદલામાં આરોપીઓએ પોસ્ટ-ડેટેડ ચેક આપ્યા, પરંતુ ચુકવણીનો સમય આવતા પેમેન્ટ રોકી દેવામાં આવી અને તમામ ચેક બાઉન્સ થઈ ગયા.
પોલીસ તપાસમાંથી વધુ એક ગંભીર ખુલાસો થયો કે, આરોપીઓએ ફરિયાદીની કંપનીના બીજા ડિરેક્ટર(મિલન શાહ)ની નકલી સહી કરી હતી. સાથે જ કંપનીના ખોટા લોગો અને સિક્કાનો દુરુપયોગ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
ઇકોનોમિક ઓફેન્સ વિંગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ કુરિયર મારફતે અસલી હીરાની જગ્યાએ ઓછી કિંમતના પથ્થરો પરત મોકલ્યા, જેથી કાગળ પર એવું દર્શાવી શકાય કે માલ પરત કર્યાે છે. આ કેસ પ્રાથમિક તપાસના તબક્કામાં છે અને દસ્તાવેજો તથા બેંક લેવડદેવડની સુક્ષ્મ તપાસ કરાઈ રહી છે.SS1MS
