Western Times News

Gujarati News

ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલની નિમણૂક: નરેશ પટેલે કરી જાહેરાત

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કન્વીનરોની હાજરીમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

રાજકોટ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખોડલધામ એ સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં બહોળું વર્ચસ્વ ધરાવતી એક મહત્વની સંસ્થા છે. Anar Patel Appointed President of Khodaldham Organisation

રાજકોટના ખોડલધામ ખાતે બુધવારે યોજાયેલા ‘ખોડલધામ કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કન્વીનરોની હાજરીમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

આ નિમણૂક સાથે, અનાર પટેલ ખોડલધામની સમગ્ર સંગઠનાત્મક કામગીરીની દેખરેખ રાખશે અને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યાં પણ ખોડલધામની સંસ્થાઓ અને એકમો કાર્યરત છે, ત્યાં તેમની પ્રવૃત્તિઓનું સંકલન કરશે.

નિર્ણયની જાહેરાત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, “આ જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આજે હું તમારી સમક્ષ જે નામ મૂકી રહ્યો છું તે ગુજરાતનું ગૌરવ વધારશે અને તેમાં મને કોઈ શંકા નથી. આજે અનારબેન પટેલની સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે.”

ખોડલધામનું સંગઠનાત્મક માળખું ગુજરાતના તમામ ૩૧ જિલ્લાઓમાં ફેલાયેલું છે, જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે તમામ જિલ્લા કન્વીનરો અનાર પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરશે.

ખોડલધામ સંસ્થા સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતા મજબૂત કરવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. ટ્રસ્ટના વહીવટી માળખામાં ‘ખોડલધામ સંગઠન પ્રમુખ’નું પદ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

પોતાની નવી ભૂમિકામાં, અનાર પટેલ ઝોનલ હેડ, જિલ્લા કન્વીનરો અને ગુજરાતની વિવિધ સમિતિઓ સાથે સંકલન સાધશે જેથી સંગઠનાત્મક યોજનાઓનું સુચારૂ સંચાલન અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તારીખ 21 જાન્યુઆરી ને બુધવારના રોજ શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 9 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી અને સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કન્વીનર મીટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ગુજરાતભરના તમામ ઝોન અધ્યક્ષ, જિલ્લા, તાલુકા, શહેર, વોર્ડના કન્વીનરશ્રી, સહ કન્વીનરશ્રી ભાઈઓ તથા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ કન્વીનરશ્રી અને સહકન્વીનરશ્રીઓને નિમણૂક સહ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં જ ઉપસ્થિત લોકોની વચ્ચે ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ પાવન દિવસે હર્ષ સાથે શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે શ્રીમતિ અનારબેન પટેલના નામની જાહેરાત કરી હતી. શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામના સંગઠનને લગતી જવાબદારી હવેથી શ્રીમતિ અનારબેન પટેલ સંભાળશે. આ ઉપરાંત શ્રી નરેશભાઈ પટેલે અમદાવાદ ઝોનના નવા અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ ગેવરીયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાના નામની જાહેરાત કરી હતી. આ બન્ને જાહેરાતને ઉપસ્થિત સૌએ સહર્ષ વધાવી લીધી હતી.

આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું હંમેશા કહું છું કે ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર હંમેશા ચાલતો રહેવાનો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ હંમેશાથી એવા પ્રયત્નો કરે છે કે છેવાડાના ભાઈ-બહેન સુધી પહોંચીને તેને મદદરૂપ થવું. શ્રી ખોડલધામના સંગઠનમાં શ્રીમતિ અનારબેન પટેલ ખૂબ જ વિઝન સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે તેઓને સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરતાં મને આનંદ છે. સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બને તે માટે શ્રી ખોડલધામ સંગઠનની મુખ્ય સમિતિના શ્રીમતિ અનારબેન પટેલ, શ્રીમતિ જશુમતીબેન કોરાટ,

જેનીબેન ઠુંમર, શ્રી ગોપાલભાઈ રૂપાપરા, શ્રી મનોજભાઈ સાકરીયા અને શ્રી હસમુખભાઈ લુણાગરીયા સતત પ્રવાસ કરીને જહેમત ઉઠાવી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. શ્રી ખોડલધામ મંદિર પરિસરની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈને અનેક લોકો વખાણ કરે છે તેનો સમગ્ર શ્રેય આપ સૌને જાય છે. આ સંગઠન જાળવી રાખવું એ આપણી સૌની અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. હાલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે શ્રી ખોડલધામ મંદિર સંકુલનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે પણ શ્રી ખોડલધામ મંદિર સંકુલ બનશે .

સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અતિથિ ભવન બનાવવામાં આવનાર છે. ઘણા શ્રદ્ધાળુઓની ઈચ્છા છે કે શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે રહેવાની સુવિધા નથી ત્યારે શ્રી ખોડલધામ મંદિર- કાગવડ ખાતે પણ રહેવાની સુવિધા માટે અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા એક અઠવાડિયા પહેલા જ નિર્ણય લેવાયો છે કે હરિદ્વારમાં પણ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવે. સાથે જ જેનીબેન ઠુંમરની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવાની પણ જાહેરાત શ્રી નરેશભાઈ પટેલે કરી હતી.

આ પ્રસંગે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, મને સંગઠનના અધ્યક્ષ તરીકેની આટલી મોટી જવાબદારી આપીને શ્રી નરેશભાઈ પટેલે જે વિશ્વાસ મારામાં મૂક્યો છે તે વિશ્વાસને હું ડગવા નહીં દઉં. શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામના સંગઠન રૂપી જે પાયા રોપીને જ ઈમારત બનાવી છે તે ઈમારતની એક ઈંટ બનવાનો મને અવસર મળ્યો છે તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું.

છેલ્લા આઠેક મહિનામાં સમગ્ર ગુજરાતમાં સંગઠનની ટીમ સાથે દરેક જિલ્લા સુધી પહોંચીને તમામ નાના-મોટા કાર્યકરોને મળવાનો પ્રયત્ન કર્યો છે અને સૌની લાગણીઓને સમજી છે. સંગઠનમાં નવા લોકો આવશે અને તેને તૈયાર કરીને નવું ભવિષ્ય ઉભું કરવાના પ્રયત્નો આપણે સૌ કરીશું. જ્યાં સમાજ હોય ત્યાં એક બીજાના તાંતણા જોડાતા હોય છે અને આપણે સૌ એક તાંતણે બંધાયેલા છીએ. જે સમાજે આપણને નાનપણથી અત્યાર સુધી ઘણું બધું આપ્યું છે તે સમાજ માટે કામ કરવા મને આ હોદ્દો મળ્યો છે.

સંગઠનમાં આપણને જે કંઈ પણ હોદ્દો મળ્યો છે તે હોદ્દાની રૂએ આપણે નિયમોમાં રહીને આ હોદ્દાને નિભાવવીશું તો જ આપણે સમાજને કંઈક પાછું આપી શકીશું. ખોડલધામ થકી આપણે સૌ ભક્તિ દ્વારા એકતાની શક્તિથી જોડાયેલા છીએ. જ્યાં માની ભક્તિ હોય ત્યાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, હંમેશા હૃદય ચોખ્ખું હોવું જોઈએ. શ્રી નરેશભાઈ પટેલ હંમેશા કહેતા હોય છે કે જે થશે એ માતાજીની ઈચ્છાથી થશે. તેથી કદી પણ હું પણાનો ભાવ રાખવો જોઈએ નહીં. આપણે સંગઠિત થઈશું તો જ ઈતિહાસ રચાશે. આપણા સંગઠન થકી નાનામાં નાના ગામ સુધી આપણે પહોંચીને સમાજનું કામ કરી શક્યા છીએ. સંસ્થાની ઓળખાણથી જ આપણી ઓળખાણ બને છે.

કન્વીનર મીટ પ્રસંગે જેનીબેન ઠુંમરે પોતાના સંબોધનમાં સમગ્ર શ્રી ખોડલધામ સંગઠન માળખા વિશે વિગતે ચર્ચા કરી હતી. સાથે શ્રી હસમુખભાઈ લુણાગરીયાએ પણ સંગઠન અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહત્વનું છે કે, 21 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી આ કન્વીનર મીટમાં તમામ કન્વીનરશ્રીઓ, સહ કન્વીનરશ્રીઓને નિમણૂક સહ અભિનંદન પત્ર અને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા અને આગામી બે વર્ષ માટે સંગઠનમાં નિમણૂક કરવામાં આવી હતી.

આ કન્વીનર મીટમાં ગુજરાતભરમાંથી સંગઠનના હોદ્દેદારો ઉપરાંત શ્રી લેઉવા પટેલ સમાજ ન્યૂજર્સીના પ્રમુખ વીરજીભાઈ પાઘડાળ અને લંડનમાં શ્રી ખોડલધામ સંગઠનની જવાબદારી સંભાળતા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી મયુરભાઈ મુંગરા (જામનગર જિલ્લા કન્વીનર) અને આભારવિધિ દિપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કરશ્રી હરેશભાઈ કાવાણી દ્વારા કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.